ફેરવેલ મૅચમાં એક ગોલ સાથે બે ગોલ અસિસ્ટ પણ કર્યા, ૮૫,૦૦૦ ચાહકોની ભીડે આખરી મૅચ યાદગાર બનાવી
આ દિવસ મારી કરીઅરનો સૌથી દુઃખદ દિવસ હતો. હવે હું આર્જેન્ટિનાના ફૅન તરીકે મૅચ જોઈશ અને તમામ નવા ખેલાડીઓને સમર્થન આપીશ. આપણે હંમેશાં એકજૂટ રહીશું. - લીઅનલ મેસી
ગઈ કાલે બ્યુનસ આયર્સના મૉન્યુમેન્ટલ સ્ટેડિયમમાં ઘરઆંગણાના આર્જેન્ટિનિયન ફૅન્સ સામે ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસીએ અંતિમ ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. બેનિન ટીમ સામેની આ મૅચમાં આર્જેન્ટિનાએ ૩-૦થી જીત નોંધાવી હતી જેમાં લીઅનલ મેસીએ એક ગોલ પેનલ્ટી દ્વારા કર્યો અને બે ગોલ અસિસ્ટ કર્યા હતા.

સ્ટેડિયમના આકાશમાં મેસી માટે સ્પેશ્યલ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
૮૫,૦૦૦ ચાહકોની હાજરીમાં સુપરસ્ટાર મેસીએ ૨૧ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરનું સમાપન કર્યું. સ્ટેડિયમ સુધી ટીમ-બસ પહોંચે એ રસ્તા પર હજારોની સંખ્યામાં ફૅન્સનું અભિવાદન જોઈ અંતિમ સીટ પર બેસેલો મેસી રડી પડ્યો હતો. ૧૦ નંબરની જર્સી પહેરતાં મેસીના સન્માનમા મૅચની દસમી મિનિટે સ્ટેડિયમમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. હરીફ ટીમે તેને યોદ્ધાની પારંપરિક પ્રતિમા આપી અને મુખ્ય મૅચ-રેફરીએ પોતાનાં રેડ-યલો કાર્ડ ભેટમાં આપી દીધાં હતાં. અંતિમ સીટી વાગતાંની સાથે જ મેસીએ મેદાન પર તેના આર્જેન્ટિનાના સાથી ખેલાડીઓને ગળે લગાવ્યા. પ્રેક્ષકોએ સ્ટેડિયમને નારાઓ અને જોરદાર તાળીઓના ગડગડાટથી ગજાવી દીધું. આ ભાવુક ક્ષણો એ યુગના ભવ્ય સમાપનની સાક્ષી બની જેમાં આ પ્લેયરે ઇન્ટરનૅશનલ મંચ પર આર્જેન્ટિનાનું ભાગ્ય બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

લીઅનલ મેસીની સ્પીચ સમયે ભાવુક જોવા મળ્યા તેના સાથી ખેલાડીઓ, મેસીના ત્રણ દીકરાઓ અને પત્ની મૅચ પછી ભાવુક થઈને ભેટી પડ્યાં.
૩૯ વર્ષના લીઅનલ મેસીએ મૅચ પછી પોતાની ફેરવેલ સ્પીચમાં કહ્યું, ‘૨૦ વર્ષથી વધુ સમય સુધી આ જર્સીનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત હતી. હવે અહીં ન આવવું એ ખૂબ જ પીડાદાયક હશે. હું સોગંદ ખાઈને કહું છું કે હું જીવનભર રમવા માગું છું, કારણ કે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ માટે રમવું એ કોઈ પણ ખેલાડી માટે સૌથી સુંદર બાબત છે.’

હાઉસફુલ થઈ ગયેલા સ્ટેડિયમમાં મેસી માટે ફૅન્સની ભીડ વચ્ચે જોવા મળ્યાં હતાં આવાં પોસ્ટર્સ.
લીઅનલ મેસીની ઇન્ટરનૅશનલ કરીઅરના મહત્ત્વપૂર્ણ આંકડા
૨૧ વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરમાં લીઅનલ મેસીએ ૨૦૮ મૅચમાં ૧૨૬ ગોલ કર્યા છે અને ૭૦ ગોલ અસિસ્ટ કર્યા છે. સૌથી વધુ ઇન્ટરનૅશનલ ગોલ કરનાર પ્લેયર્સના લિસ્ટમાં પોર્ટુગલના રોનાલ્ડો (૨૩૪ મૅચમાં ૧૪૬ ગોલ) પછી મેસી બીજા ક્રમે છે. આર્જેન્ટિનાની ટીમ સાથે તેણે ૧૩૫ જીત મેળવી છે, ૪૩ મૅચ ડ્રૉ રમી છે અને ૩૦ મૅચમાં હારનો સામનો કર્યો છે. આ ટીમ સાથે તેણે મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ 2025 જીત્યો એ તેના કરીઅરની સૌથી મોટી સિદ્ધિ હતી.
