એમયુના સુપરસ્ટારને કોચે સિટી સામેની મૅચમાં ન રમાડ્યો : એમયુની ૩-૬થી કારમી હાર

સુપરસ્ટાર ફુટબોલર રોનાલ્ડોએ બેન્ચ પર બેસીને બે હરીફોની હૅટ-ટ્રિક જોવી પડી
સામાન્ય રીતે સુપરસ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતે કરેલા ગોલથી અથવા સાથી ખેલાડીને કરેલી સહાય (આસિસ્ટ)થી મૅચમાં છવાઈ જતો હોય છે અને ક્યારેક પોતાની ટીમને પરાજયથી બચાવવામાં પણ મોટું યોગદાન આપતો હોય છે. જોકે રવિવારે મૅન્ચેસ્ટરમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ના આ ટોચના ખેલાડીને કોચ એરિક ટેન હૅગે મૅન્ચેસ્ટર સિટી સામેની મૅચમાં શરૂઆતથી છેક સુધી સબ્સ્ટિટ્યુટની બેન્ચ પર બેસાડી રાખ્યો હતો અને તેને રમવા મોકલ્યો જ નહોતો. એમયુનો આ મૅચમાં ૩-૬થી ઘોર પરાજય થયો હતો.
વિક્ટર લિન્ડલૉફ, ઍન્થની માર્શલ, ફ્રેડ, કેસ્મિરો અને લ્યુક શૉને સબ્સ્ટિટ્યુટ તરીકે રમવાની તક અપાઈ હતી, પણ રોનાલ્ડોને મોકલવાની કોચને જરૂર જ નહોતી લાગી. મૅચ પછી કોચ એરિકે
કહ્યું કે ‘હું ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ મૅન્ચેસ્ટર સિટીના હાથે રોનાલ્ડોનો માનભંગ થતો નહોતો જોવા માગતો. બીજું, હું ઍન્થની માર્શલને મોકલવા માગતો હતો એટલે પણ મને રોનાલ્ડોને બેસાડી રાખવાનું ઠીક લાગ્યું હતું.’ એમયુના ત્રણમાંથી બે ગોલ માર્શલે (૮૪, ૯૧મી મિનિટે) કર્યા હતા.
નવાઈ તો એ વાતની છે કે સામાન્ય રીતે રોનાલ્ડોની ગોલની હૅટ-ટ્રિક ફુટબૉલપ્રેમીઓને અને હરીફ ખેલાડીઓને જોવા મળતી હોય છે, પણ રવિવારે રોનાલ્ડોએ મૅન્ચેસ્ટર સિટીના બે ખેલાડી ફિલ ફૉડેન અને અર્લિંગ હાલૅન્ડની હૅટ-ટ્રિક જોવી પડી હતી. ફૉડેને ૮, ૪૪, ૭૩મી મિનિટે અને હાલૅન્ડે ૩૪, ૩૭, ૬૪મી મિનિટે ગોલ કર્યા હતા.