પીએસજી પૉઇન્ટ્સ-ટેબલમાં પચીસ પૉઇન્ટ સાથે મોખરે છે

નેમાર-ઍમ્બપ્પે વચ્ચે મેસીએ કરાવી સુલેહ : શનિવારે પૅરિસમાં ઍમ્બપ્પે (જમણે)એ ૮૩મી મિનિટે ગોલ કરતાં નેમાર (ડાબે) તેને અભિનંદન આપવા દોડી આવ્યો હતો. પેનલ્ટીના ગોલ માટેની કિક પહેલાં કોણે મારવી એ મુદ્દે બન્ને સ્ટાર વચ્ચે ડ્રેસિંગરૂમમાં ઝઘડો થયો હોવાનું મનાય છે, પરંતુ પીએસજીના આર્જેન્ટિન સ્ટાર લિયોનેલ મેસીએ તેમની વચ્ચે સુલેહ કરાવી હતી. તસવીર: એ.એફ.પી.
ફ્રેન્ચ લીગ ફુટબૉલમાં શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) અને નીસ વચ્ચેના મુકાબલામાં બન્ને ટીમ ફર્સ્ટ હાફના અંતે ૧-૧થી બરાબરીમાં હતી અને મૅચની છેક ૮૨મી મિનિટ સુધી એ બરાબરી જળવાઈ રહી હતી, પરંતુ ૮૩મી મિનિટે ટીમનો સ્ટાર ખેલાડી કીલિયાન ઍમ્બપ્પે જે બેન્ચ પર બેઠો હતો તેને હુગો એકિટિકેની જગ્યાએ સબિસ્ટટ્યૂટ તરીકે લેવામાં આવ્યો હતો અને મેદાન પર આવ્યા બાદ થોડી જ વારમાં ઍમ્બપ્પેએ ગોલ કરીને પીએસજીને ૨-૧થી સરસાઈ અપાવી હતી. તેના એ ગોલ પછી બીજો કોઈ પણ ગોલ ન થતાં પીએસજીનો ૨-૧થી વિજય થયો હતો. પીએસજી પૉઇન્ટ્સ-ટેબલમાં પચીસ પૉઇન્ટ સાથે મોખરે છે. પીએસજી ૯માંથી ૮ મૅચ જીતી છે અને ૧ મૅચ ડ્રૉ ગઈ છે. માર્સેઇલી ૨૩ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે.

