Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > લૉસ ઍન્જલસના ડ્રેસિંગ રૂમમાં ઈરાનીઓ હાથથી લખેલો કાગળ મૂકી ગયા, વિશ્વશાંતિનો સંદેશ આપ્યો

લૉસ ઍન્જલસના ડ્રેસિંગ રૂમમાં ઈરાનીઓ હાથથી લખેલો કાગળ મૂકી ગયા, વિશ્વશાંતિનો સંદેશ આપ્યો

Published : 23 June, 2026 10:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ કપ ઇતિહાસમાં ઇજિપ્તે પ્રથમ જીત નોંધાવી, સ્પેને સાઉદી અરેબિયા સામે ૪-૦થી જીત મેળવી

ડ્રેસિંગ રૂમમાં આ કાગળ છોડીને ગયા હતા ઈરાનના ખેલાડીઓ

ડ્રેસિંગ રૂમમાં આ કાગળ છોડીને ગયા હતા ઈરાનના ખેલાડીઓ


લૉસ ઍન્જલસમાં અગાઉ ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૨થી મૅચ ડૉ કર્યા બાદ ગઈ કાલે ઈરાને બેલ્જિયમ સામે પણ ૦-૦થી મૅચ ડૉ કરી હતી. ઈરાનની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મૅચ હવે વૉશિંગ્ટનમાં રમાવાની હોવાથી તેઓ લૉસ ઍન્જલસ સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં ૭૪ શબ્દોનો હાથથી લખેલો કાગળ છોડી ગયા હતા. આ કાગળમાં લખ્યું હતું, ‘હજારો વર્ષ જૂના પ્રાચીન પર્સી (ફારસી)થી લઈને આજના સભ્ય ઈરાન સુધી. ઈરાનની ભાવના જીવંત અને અડગ છે. અમે ગર્વ સાથે લૉસ ઍન્જલસ આવ્યા, સન્માન સાથે રમ્યા અને ગૌરવ સાથે જઈ રહ્યા છીએ. આતિથ્ય માટે લૉસ ઍન્જલસનો આભાર.’ કાગળમાં અંતે લખ્યું હતું કે, ‘દરેક ઈરાની લોકોનો આભાર જેમણે ૧૮૦ મિનિટની રમતો દરમ્યાન ટીમ માટે પોતાનું દિલ, અવાજ અને આત્મા સમર્પિત કર્યાં. તમામ દેશો વચ્ચે શાંતિ, સન્માન અને દોસ્તી બની રહે.’ #minab અને #168 જેવો હૅશટૅગ કાગળમાં લખીને ઈરાનની ટીમે અમેરિકાના હુમલામાં જીવ ગુમાવનાર મિનાબ સ્કૂલની ૧૬૮ દિવંગત વિદ્યાર્થિનીઓને પણ યાદ કરી હતી. 

વર્લ્ડ કપ ઇતિહાસમાં ઇજિપ્તે પ્રથમ જીત નોંધાવી




જીતની ઉજવણી કરતા ઇજિપ્તના ખેલાડીઓ

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે ૩-૧થી જીત નોંધાવીને ઇજિપ્તે ગ્રુપ Gમાં નંબર વનનું સ્થાન લઈ લીધું છે. ૧૯૯૦ અને ૨૦૧૮ના વર્લ્ડ કપમાં બે ડ્રૉ મૅચ અને પાંચ હારનો સામનો કરનાર ઇજિપ્તે પહેલી વર્લ્ડ કપ જીત નોંધાવી હતી. ઇજિપ્તે બેલ્જિયમ સામે ૧-૧ની ડ્રૉ મૅચ સાથે આ વર્લ્ડ કપની શરૂઆત કરી હતી. ગ્રુપ Gમાં બે ડ્રૉ સાથે બીજા ક્રમે ઈરાન છે, બે ડ્રૉ મૅચ સાથે ત્રીજા ક્રમે બેલ્જિયમ અને એક ડ્રૉ, એક હારને કારણે ન્યુ ઝીલૅન્ડ અંતિમ સ્થાને છે. 


સ્પેને સાઉદી અરેબિયા સામે ૪-૦થી જીત મેળવી, ૧૮ વર્ષના લામિન યમાલે પહેલો વર્લ્ડ કપ ગોલ કર્યો

ડ્રૉ મૅચ સાથે ફુટબૉલ વર્લ્ડ કપની શરૂઆત કરનાર સ્પેનની ટીમે ગઈ કાલે સાઉદી અરેબિયાને ૪-૦થી હરાવીને પહેલી જીત મેળવી હતી. ૧૮ વર્ષના ફૉર્વર્ડ ખેલાડી લામિન યમાલે વર્લ્ડ કપનો પહેલો ગોલ કરીને સ્પેનને શાનદાર શરૂઆત અપાવી હતી. વર્લ્ડ કપ ઇતિહાસમાં તે ગોલ કરનાર ઓવરઑલ આઠમો યંગેસ્ટ ખેલાડી બન્યો છે. સ્પેન માટે રમતા લામિન યમાલના બૂટ પર બે અન્ય દેશના ધ્વજ જોવા મળ્યા હતા. આ ધ્વજ તેના પપ્પાના દેશ મોરોક્કો અને મમ્મીના દેશ ઇક્વેટોરિયલ ગિનીના હતા. તેણે અગાઉ મોરોક્કો માટે ફુટબૉલ રમવાની ઑફર નકારી હતી.

સ્પેન બાદ ઉરુગ્વે સામે પણ કેપ વર્ડીએ મૅચ ડ્રૉ કરી

ગોલની ઉજવણી કરતા કેપ વર્ડીના ખેલાડીઓ

ફુટબૉલ વર્લ્ડ કપમાં પહેલી વખત રમી રહેલી કેપ વર્ડીની ટીમ ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્પેન બાદ બે વખતના ચૅમ્પિયન ઉરુગ્વે સામે પણ ડ્રૉ મૅચ રમી છે. અગાઉ આ ટીમે સ્પેનને પણ ૦-૦ની ડ્રૉ મૅચ રમવા મજબૂર કર્યું હતું. ગઈ કાલે ઉરુગ્વે સામેની કેપ વર્ડીની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. ગ્રુપ Hમાં એક જીત, એક ડ્રૉ મૅચ સાથે સ્પેન પહેલા ક્રમે, બે ડ્રૉ મૅચ સાથે ઉરુગ્વે બીજા ક્રમે, બે ડ્રૉ મૅચ સાથે કેપ વર્ડી ત્રીજા ક્રમે અને એક ડ્રૉ, એક હારને કારણે સાઉદી અરેબિયા ચોથા સ્થાને છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK