૧૮ વર્ષના ગાવીએ ૬૪ વર્ષનો રેકૉર્ડ તોડ્યો ઃ કોસ્ટા રિકાની પહેલી જ મૅચમાં નામોશી : ગ્રુપ ‘ઈ’માં હવે વધુ જોરદાર રસાકસી જોવા મળશે

વર્લ્ડ કપના છેલ્લાં ૬૪ વર્ષના ઇતિહાસમાં સૌથી યુવાન ગોલકર્તા બનેલો સ્પેનનો ગાવી (ડાબે). તસવીર એ.પી.
સ્પેનનો ૧૮ વર્ષનો ફુટબોલર ગાવી (પૂરું નામ પાબ્લો માર્ટિન પાએઝ ગાવિરા) બુધવારે કતારના ફિફા વર્લ્ડ કપમાં પોતાની પહેલી જ મૅચમાં રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો. તે વિશ્વકપમાં રમેલો સ્પેનનો સૌથી યુવાન ખેલાડી બન્યો જ હતો, તે વર્લ્ડ કપમાં ગોલ કરનારો છેલ્લાં ૬૪ વર્ષના ઇતિહાસનો યંગેસ્ટ ખેલાડી બન્યો છે.
૧૯૫૮માં બ્રાઝિલના પેલે પછીનો તે યંગેસ્ટ ગોલસ્કોરર બન્યો છે. પેલે ૧૯૫૮માં પહેલી વાર વર્લ્ડ કપમાં રમ્યા ત્યારે ૧૭ વર્ષના હતા. ગાવીની ઉંમર ૧૮ વર્ષ અને ૧૧૧ દિવસની છે.
ગાવીએ બુધવારે કોસ્ટા રિકા સામેની ગ્રુપ ‘ઈ’ની મૅચમાં આ ઐતિહાસિક ગોલ કર્યો હતો. સ્પેને કોસ્ટા રિકાને ૭-૦થી કચડી નાખ્યું હતું.
ADVERTISEMENT
બુધવારે સ્પેન સામેના ૦-૭ના પરાજયથી હતાશ કોસ્ટા રિકાનો અલ્વેરો ઝમોરા (ડાબે) અને ખરાબ રીતે હાર્યા પછી સ્પેનના ખેલાડી સામે ઘૂંટણિયા ટેકવતો કોસ્ટા રિકાનો કેશર ફુલર. તસવીર એ.પી.
સ્પેન વતી થયેલા બાકીના છમાંથી બે ગોલ ફેરાન ટૉરસે તેમ જ એક-એક ગોલ ઑલ્મો, અસેન્સિયો, સૉલેર અને મોરાટાએ કર્યો હતો. હાફ ટાઇમ વખતે સ્પેન ૩-૦થી આગળ હતું.
બુધવારની મૅચ દરમ્યાન અનોખી હેરસ્ટાઇલમાં સ્પેનનો નિકો વિલિયમ્સ. તસવીર એ.પી.
ગ્રુપ ‘ઇ’માં ગુરુવારની પહેલી મૅચમાં પણ ચોંકાવનારું પરિણામ આવ્યું હતું. એમાં જપાને ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલા જર્મનીને ૨-૧થી હરાવીને અપસેટ સરજ્યો હતો. એ જોતાં, ગ્રુપ ‘ઈ’માં આવનારા દિવસોમાં જબરદસ્ત રસાકસી થશે, કારણ કે જર્મનીને હરાવીને જપાનની ટીમ જોરદાર જોશમાં આવી ગઈ છે અને સ્પેન સામેની ૦-૭ની હારને પગલે કોસ્ટા રિકા હવે જપાન અને જર્મની સામે મરતે દમ તક લડી લેવાના મૂડમાં રમશે. જપાનનો સ્પેન સામેનો મુકાબલો પણ ખરાખરીનો ખેલ હશે.

