Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > પૈસા માટે વૉલીબોલ રમતો હતો, આજે આ રમતે જ મને સ્ટાર બનાવ્યો - રણજીત

પૈસા માટે વૉલીબોલ રમતો હતો, આજે આ રમતે જ મને સ્ટાર બનાવ્યો - રણજીત

24 July, 2019 04:02 PM IST |
વિકાસ કલાલ

પૈસા માટે વૉલીબોલ રમતો હતો, આજે આ રમતે જ મને સ્ટાર બનાવ્યો - રણજીત

ગામની ટીમથી ઈન્ટરનેશનલ વોલીબોલ તરફની સફર

ગામની ટીમથી ઈન્ટરનેશનલ વોલીબોલ તરફની સફર


'અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં'

શેખાદમ આબુવાલાની આ પંક્તિઓને સાચી કરી બતાવી છે વૉલીબોલ પ્લેયર રણજીતસિંહે. આમ રણજીતસિંહ પંજાબ'દા પુત્તર છે, પરંતુ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી IPL પ્રકારની જ પ્રો વૉલીબોલ લીગમાં તે અમદાવાદની ટીમને લીડ કરી રહ્યા છે. આપણા દેશમાં ક્રિકેટના ગ્લેમર વચ્ચે વૉલીબોલ જેવી રમત પર ધ્યાન નથી અપાતું એ વાત જગજાણીતી છે, તેમ છતાંય રણજીતસિંહે વૉલીબોલની ગેમ પસંદ કરી અને કાઠું કાઢ્યું. એટલે સુધી કે રણજીતસિંહ પ્રો વૉલીબોલ લીગમાં ખરીદાયેલા સૌથી મોંઘા પ્લેયર બન્યા છે.



જો કે gujaratimidday.com સાથે ખાસ વાતચીત દરમિયાન રણજીતસિંહ આ વાતને જરા જુદી રીતે કહે છે. તેમની વૉલીબોલ પ્લેયર તરીકેની જર્ની કંઈક એવી છે કે તેમણે વૉલીબોલ અપનાવ્યું કે સમયે તેમને કોર્ટ પર પહોંચાડ્યા એ નક્કી કરવું મુશ્કેલ છે. રણજીતસિંહના કહેવા પ્રમાણે તેમણે રમવાની શરૂઆત તો મોટાભાઈને રમતા જોઈને કરી હતી. અને ભાઈના સાથ તેમજ ઘરના સભ્યોના વિશ્વાસને કારણે જ તેઓ આટલે પહોંચ્યા છે.


 


 

જો કે કહેવાય છે કે સાચા સોનાને હંમેશા આગની ભઠ્ઠીમાંથી પસાર થવું જ પડે છે. વૉલીબોલના સૌથી મોંઘા ખેલાડી સુધીની રણજીતસિંહની સફર પણ અનેક મુશ્કેલીઓમાંથી નીકળી છે. રણજીતસિંહના કહેવા પ્રમાણે તેમણે જ્યારે વૉલીબોલ રમવાની શરૂઆત કરી ત્યારે તેમને ગેમ કરતા ઘરમાં આર્થિક મદદમાં વધારે રસ હતો. ઘરની સ્થિતિ એવી કે રસોડામાં હાંલ્લા કુસ્તી કરે. પણ ગામમાં રમાતી વૉલીબોલની ટુર્નામેન્ટમાં જીતના પૈસા મળતા અને એટલે જ ભાઈની સાથે સાથે રણજીતસિંહે પણ ગેમમાં ઝુકાવ્યું. એક બાદ એક મેચ જીતીને પરિવારનો આર્થિક બોઝ ઓછો કરતા રહ્યા.

બસ ધીમે ધીમે વૉલીબોલની રમત નીખરતી ગઈ અને આગળ વધતા રહ્યા. રમવાના શોખ અને પરિવારની જરૂરિયાત સાથે શરૂ કરેલી રમતમાં રણજીત સિંહે વૉલીબોલની ખાસ કોઇ પણ પ્રકારની ટ્રેનિંગ લીધી નથી. પણ સ્કૂલ લેવલે રમ્યા બાદ તેઓ નેશનલ લેવલ માટે સિલેક્ટ થયા અને પછી જલંધરના કેમ્પમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી. રણજીત સિંહે ટ્રેનિંગ દરમિયાનના અનુભવ શેર કરતા કહ્યું હતું કે, ' આટલા સમયની મહેનત બાદ મેં ક્યારેય વિચાર્યું જ ન હોતું કે પાછળ હટવુ અને ગામ જઈને નોકરીની પસંદગી કરવી. હંમેશા એ જ વિચાર્યું છે કે અહીંથી પાછળ જવાનો કોઈ અર્થ નથી અને એનુ પરિણામ આજે જોઈ શકો છો.'

 

રણજીતસિંહ પ્રો વોલીબલ લીગમાં 6 ઈન્ટરનેશન અને 117 ભારતીય પ્લેયરમાંથી સૌથા મોંઘા પ્લેયર તરીકે પસંદ કરાયા છે. તેમને 13 લાખ રૂપિયામાં અમદાવાદની ટીમમાં ખરીદવામાં આવ્યા છે. વોલીબોલ ખેલાડી માટે આ સફળતા આસમાન આંબવાથી કમ નથી. હાલ રણજીતસિંહ પંજાબ પોલીસમાં સબઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ ભારતીય ટીમ સાથે જોડાશે

 

રણજીતસિંહ તો વોલીબોલ શીખતા ખેલાડીઓ માટે ઉદાહરણ બન્યા છે. એક સમયે જે વ્યક્તિને પૈસા માટે વોલીબોલ રમવું પડતું હતું તેને આજે આ જ રમતે સફળતા અપાવી છે. એટલે જ રણજીતસિંહ માને છે કે અન્ય ગેમ્સની જેમ વોલીબોલ પણ આગળ આવે અને ભારતમાં લોકોમાં તેના પ્રત્યે લગાવ આવે. પ્રો વોલીબોલ લીગના કારણે ભારતીય યુવા વોલી બોલ પ્લેયરોને એક પ્લેટ ફોર્મ મળશે જેના કારણે વોલીબોલમાં આગળ વધવામાં તેમને મદદરૂપ થશે. પ્લેયર ગમે ત્યાથી હોય ગામ કે શહેર તમને તમારી મક્કમતા અને મહેનત તમને આગળ લઈ જશે.

 

 

ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રો વોલી બોલ લીગમાં દેશના 6 શહેરોની ટીમો ભાગ લેવા જઈ રહી છે અને રણજીત અમદાવાદ ડિફેન્ડર્સ તરફથી રમશે. આ લીગમાં ભારતીય પ્લેયર્સ સાથે ઈન્ટરનેશનલ ખેલાડી પણ જોડાશે. આ લીગના કારણે ભારતમાં વોલીબોલને અલગ ઓળખાણ મળશે. વોલીબોલને વિશ્વની 5મી સૌથી મોટી ગેમ માનવામાં આવે છે. જો કે ભારતમાં વોલી બોલ કંઈ ખાસ કરી શક્યું નથી. પ્રો વોલીબોલ લીગના કારણે ભારતમાં વોલીબોલને એક અલગ ઓળખાણ મળશે.

Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 04:02 PM IST | | વિકાસ કલાલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK