૨૨ વર્ષના આ ખેલાડીએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે.
જૈનિક સિનર
ઇટલીના યુવા ટેનિસ ખેલાડી જૈનિક સિનરે ઇતિહાસ રચ્યો છે. ૨૨ વર્ષના આ ખેલાડીએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેણે રવિવારે રમાયેલી ફાઇનલ મૅચમાં રશિયાના ડેનિલ મેડવેડેવને પાંચ સેટની રોમાંચક મૅચમાં માત આપી હતી. સિનરે ઑસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં મેડવેડેવને ૩-૬, ૩-૬, ૬-૪, ૬-૪ અને ૬-૩ના પાંચ રોમાંચક સેટમાં માત આપી હતી. જૈનિક સિનરની કારકિર્દીનું આ પહેલી ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. તેણે મેડવેડેવના સપનાને તોડ્યું હતું.
પહેલો સેટ ૬-૩ સાથે મેદવેદેવે જીતની શરૂઆત કરી હતી. બીજા સેટમાં મેદવેદેવે તોફાની રમત દાખવી હતી. સિનરને મૅચમાં વાપસીની એક પણ તક આપી નહોતી. ઑસ્ટ્રેલિયન ઓપનને ૧૦ વર્ષ બાદ નવો ચૅમ્પિયન મળ્યો છે. છેલ્લે ૨૦૧૪માં સ્વિટ્ઝરલૅન્ડના સ્ટેન વાવરિન્કાએ આ ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ રોજર ફેડરર સિવાય સ્વિટ્ઝરલૅન્ડનો એક પણ ખેલાડી આ ગ્રૅન્ડ સ્લૅમમાં ચૅમ્પિયન નથી બન્યો. ૨૦૦૪થી રોજર ફેડરર, સર્બિયનાના નોવાક જૉકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ જ આ ગ્રૅન્ડ સ્લૅમમાં ચૅમ્પિયન બનતા આવ્યા છે.
ADVERTISEMENT
17.5
ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયન બનતાં જૈનિક સિનરને આટલા કરોડ રૂપિયા મળશે જ્યારે સ્પર્ધાની કુલ ઇનામી રકમ ૪૮૧.૨ કરોડ રૂપિયાની છે, જે ગયા વર્ષ કરતાં ૧૩ ટકા વધી છે.
ચૅમ્પિયન જૈનિક સિનરનાં રસપ્રદ ફૅક્ટ્સ
જૈનિક સિનર પોતાની કારકિર્દીમાં પહેલી વાર કોઈ ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલ રમ્યો અને જીત્યો. આ પહેલાં તે ૨૦૨૦માં ફ્રેન્ચ ઓપનમાં ક્વૉર્ટર ફાઇનલ, ૨૦૨૩માં વિમ્બલ્ડનની સેમી ફાઇનલ અને ૨૦૨૨માં યુએસ ઓપનની ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો.
સિનર ૨૦૦૮ બાદ ઑસ્ટ્રેલિયન ઓપન પુરુષ સિંગલ્સ ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. ૨૨ વર્ષ ૧૬૫ દિવસનો સિનર બીજો યુવા ખેલાડી છે. વર્ષ ૨૦૦૮માં જોકોવિચ ૨૦ વર્ષ ૨૫૦ દિવસની ઉંમરમાં આ ટાઇટલ જીત્યો હતો.
સિનર ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ત્રીજો ઇટલીનો ટેનિસ ખેલાડી બન્યો છે તો ઑસ્ટ્રેલિયન ઓપન જીતનાર પહેલો ઇટલીનો ખેલાડી બન્યો છે. આ પહેલાં ૧૯૫૯ અને ૧૯૬૦માં ઇટલીના નિકોલા પિએટ્રાન્ગેલીએ અને ૧૯૭૬માં ઇટલીના જ ઍડ્રિયાનો પનાટાએ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું છે.


