ભારતીય હૉકી ટીમ આજે કોરિયા અને શનિવારે પાકિસ્તાન સામે ટકરાશે
ભારતીય હૉકી ટીમ
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે શાનદાર અંદાજમાં ચીનમાં આયોજિત એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈ કાલે ૨૦૨૩ની રનર-અપ ટીમ મલેશિયા સામે હરમનપ્રીત સિંહની કંપનીએ ૮-૧થી ભવ્ય જીત મેળવી હતી. યુવા સ્ટ્રાઇકર રાજકુમાર પાલની હૅટ-ટ્રિકના આધારે ભારતીય ટીમે પહેલી ૩૩ મિનિટમાં જ ૬ ગોલ કરીને મૅચ પર કબજો કરી લીધો હતો.
આ મૅચમાં ભારત તરફથી રાજકુમાર પાલ (ત્રીજી, પચીસમી અને ૩૩મી મિનિટે), અરિજિત સિંહ હુંદલ (છઠ્ઠી અને ૩૯મી મિનિટ), જુગરાજ સિંહ (સાતમી મિનિટ), કૅપ્ટન હરમનપ્રીત સિંહ (બાવીસમી મિનિટ) અને ઉત્તમ સિંહ (૪૦મી મિનિટ)એ ગોલ કર્યા હતા. મલેશિયાની ટીમ માત્ર ૩૪મી મિનિટે એકમાત્ર ગોલ કરી શકી હતી. છ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારત સતત ત્રીજી જીતના આધારે નવ પૉઇન્ટ સાથે ટૉપ પર છે. ટોચની ચાર ટીમો વચ્ચે ૧૬ સપ્ટેમ્બરે સેમી ફાઇનલ મૅચ રમાશે. એ પહેલાં ભારત આજે કોરિયા સામે અને શનિવારે કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની મૅચને સેમી ફાઇનલની તૈયારીરૂપે રમશે.