ઇંગ્લૅન્ડની કાઉન્ટીમાં પહેલી મૅચમાં પહેલી જ વિકેટમાં બૅટરનું ઑફ સ્ટમ્પ ઉડાડી દીધું : ૬૩ રનમાં લીધી ત્રણ વિકેટ

યુઝવેન્દ્ર ચહલ
ભારતની ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાંથી તાજેતરમાં બાદબાકી કરવામાં આવ્યા બાદ યુઝવેન્દ્ર ચહલ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવા ગયો છે, જ્યાં તેણે ગઈ કાલે કેન્ટ વતી રમતી વખતે નૉટિંગહૅમશરની ત્રણ વિકેટ લીધી હતી. તેણે ૬૩ રનના ખર્ચે ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો હતો, પરંતુ તેની તેમ જ ભારતીય મૂળના બીજા સ્પિનર ઍરોન સિંહ નિજ્જરની ચાર વિકેટને કારણે હરીફ ટીમ ૨૬૫ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને કેન્ટને ૧૮૧ રનની લીડ મળી હતી.
ચહલ પહેલી જ વાર કાઉન્ટીમાં રમી રહ્યો છે. આ ચાર દિવસીય મૅચમાં તેણે નૉટિંગહૅમશરના મૅથ્યુ મૉન્ટગોમેરી (૧૬), લીન્ડૉન જેમ્સ (૧) અને કૅલ્વિન હૅરિસન (૧૫)ની વિકેટ લીધી હતી. તેણે પહેલી વિકેટ જેમ્સની લીધી હતી, જેમાં તેણે સુપર્બ લેગ બ્રેક બૉલમાં જેમ્સનું ઑફ સ્ટમ્પ ઉડાડી દીધું હતું.
કેન્ટે આ સીઝનની શરૂઆતમાં અર્શદીપ સિંહને સાઇન કર્યો હતો, જેણે પાંચ મૅચમાં ૧૩ વિકેટ લીધી હતી. અર્શદીપને પણ વર્લ્ડ કપની ટીમમાં જગ્યા નથી મળી. ચહલે ફક્ત ત્રણ મૅચમાં રમવાનો કેન્ટ સાથે કરાર કર્યો છે.