Wriddhiman Saha Retires: રિદ્ધિમાન સાહાએ જાહેર કરી નિવૃત્તિ, વર્તમાન રણજી સિઝન તેની છેલ્લી સિઝન હશે
રિદ્ધિમાન સાહાની ફાઇલ તસવીર
લાંબા સમયથી ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team)નો મહત્વનો હિસ્સો રહેલા વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ (Wriddhiman Saha Retires) લેવાની જાહેરાત કરી છે. સાહા હાલમાં તેના હોમ સ્ટેટ બંગાળ (Bengal) માટે રણજી ટ્રોફી (Ranji Trophy 2024-25) રમી રહ્યો છે. તેણે કહ્યું છે કે વર્તમાન રણજી સિઝન તેની છેલ્લી સિઝન હશે અને તે પછી તે ક્રિકેટને અલવિદા કહી દેશે. સાહાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને આ માહિતી આપી હતી.
રિદ્ધિમાન સાહા એ ટીમનો ભાગ હતો જેણે વિરાટ કોહલી (Virat Kohli)ની કપ્તાની હેઠળ ૨૦૧૮-૧૯માં ઓસ્ટ્રેલિયા (Australia)ને તેની ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત હરાવ્યું હતું. અહીંથી સાહાની કારકિર્દીમાં ઉતાર ચઢાવ આવ્યો અને રીષભ પંત (Rishabh Pant)ના આગમન બાદ ટીમ મેનેજમેન્ટે તેને સાઈડલાઈન કરી દીધો હતો.
ADVERTISEMENT
રિદ્ધિમાન સાહાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘ક્રિકેટમાં શાનદાર સફર બાદ વર્તમાન સિઝન મારી છેલ્લી સિઝન હશે. હું છેલ્લી વખત બંગાળનું પ્રતિનિધિત્વ કરીને ગૌરવ અનુભવું છું. હું નિવૃત્ત થતા પહેલા છેલ્લી વખત રણજી ટ્રોફી રમીશ. આ અદ્ભુત પ્રવાસમાં અમને સાથ આપવા બદલ આપ સૌનો આભાર. તમારા સમર્થનનો અર્થ મારા માટે ઘણો છે. ચાલો આ સિઝનને વધુ યાદગાર બનાવીએ.’
After a cherished journey in cricket, this season will be my last. I’m honored to represent Bengal one final time, playing only in the Ranji Trophy before I retire. Let’s make this season one to remember! pic.twitter.com/sGElgZuqfP
— Wriddhiman Saha (@Wriddhipops) November 3, 2024
રિદ્ધિમાન સાહાએ ભારત માટે તેની છેલ્લી મેચ વર્ષ ૨૦૨૧માં ન્યૂઝીલેન્ડ (New Zelaland) સામે રમી હતી. તેણે આ સિરીઝમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ રાહુલ દ્રવિડ (Rahul Dravid)ના આગમન બાદ સાહાને સાઇડલાઇન કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સાહા બીજા ક્રમે છે. તેના નામે ત્રણ ટેસ્ટ સદી છે. તેનાથી આગળ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) અને રિષભ પંત છે જેમની પાસે છ-છ સદી છે.
સાહાને વર્ષ ૨૦૧૦માં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેણે ભારત માટે કુલ ૪૦ ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે ૨૯.૪૧ની એવરેજથી ૧,૩૫૩ રન બનાવ્યા છે. જેમાં ૩ સદી અને ૬ અડધી સદી સામેલ છે. વનડેમાં તેણે ભારત માટે નવ મેચ રમી જેમાં તેણે માત્ર ૪૧ રન બનાવ્યા છે.
ભલે રિદ્ધિમાન સાહા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ ખાસ કરિશ્મા નથી બતાવી શક્યો, પરંતુ તેની ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. અહીં તેણે ૧૩૮ ફર્સ્ટ ક્લાસ, ૧૧૬ લિસ્ટ A અને ૨૫૫ T20 મેચોમાં ભાગ લીધો હતો. દરમિયાન, તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૦૩ ઇનિંગ્સમાં ૪૧.૭૪ની એવરેજથી ૭,૦૧૩ રન, લિસ્ટ Aની ૧૦૩ ઇનિંગ્સમાં ૪૦.૪૨ની એવરેજથી ૩,૦૭૨ રન અને T20ની ૨૨૭ ઇનિંગ્સમાં ૨૪.૨૪ની એવરેજથી ૪,૬૫૫ રન બનાવ્યા.
૪૦ વર્ષીય રિદ્ધિમાન સાહાને ટેસ્ટમાં ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાંથી એક માનવામાં આવે છે. તેની કારકિર્દી બહુ મોટી ન હતી, પરંતુ તેણે પોતાની આવડતથી બધાના દિલ જીતી લીધા છે.