અમદાવાદમાં રમાયેલી પહેલી મૅચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બાદ સફાળે જાગેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો રિલીઝ કરવાનું વિચારી રહી છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
ક્રિકેટરસિયાઓ માટે આવનારા સમયમાં એક ખુશ ખબર આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪મી ઑક્ટોબરે અમદાવાદમાં યોજાનારી મૅચની ટિકિટો મળવાના આસાર છે. જોકે આ મૅચની જૂજ ટિકિટો જ ઉપલબ્ધ હોવાથી ક્રિકેટરસિકોએ એ ખરીદવા ઝડપી વલણ અપનાવવું પડશે.
અમદાવાદમાં રમાયેલી પહેલી મૅચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી બાદ સફાળે જાગેલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ભારત-પાકિસ્તાન મૅચની અમુક ટિકિટો રિલીઝ કરવાનું વિચારી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી એકાદ-બે દિવસમાં ઑફિશ્યલ ટિકિટિંગ વેબસાઇટ www.bookmyshow.com પર આ ટિકિટનું વેચાણ શરૂ થશે. આ વેબસાઇટ ઉપર તમામ મૅચોની ટિકિટની સામે ‘coming soon’ એવું લખ્યું હોવાથી થોડી ટિકિટ આયોજકો વેચાણમાં મૂકશે એવી આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચની અમુક ટિકિટ વેબસાઇટ પર શુક્રવાર સુધી મળી રહી હતી. પાકિસ્તાન સામેની મૅચમાં પણ અમુક ટિકિટ ઉપલબ્ધ હશે, પણ ક્યારે એ વિશે કોઈ ફોડ પાડવા તૈયાર નથી.’


