બે વાર વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ક્રિકેટના સૌથી મોટા ક્રેઝી દેશ ભારતના આંગણે ફરી આયોજિત વિશ્વકપના આરંભની કાગડોળે રાહ જોવાતી હોય,
ગુરુવારે અમદાવાદમાં રમાયેલી મૅચ દરમ્યાન ખાલી સ્ટેડિયમ.
બે વાર વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ક્રિકેટના સૌથી મોટા ક્રેઝી દેશ ભારતના આંગણે ફરી આયોજિત વિશ્વકપના આરંભની કાગડોળે રાહ જોવાતી હોય, કરોડો દેશવાસીઓનો રોમાંચ ચરમસીમાએ હોય, અખબારો અને મીડિયાએ રસપ્રદ માહિતી તથા ભૂતકાળની યાદ અપાવતો રસથાળ પીરસી દીધો હોય, કરોડોના કૉન્ટ્રૅક્ટ કરી ચૂકેલા બ્રૉડકાસ્ટર્સે પ્રસારણનો તખતો તૈયાર કરી લીધો હોય, ઍડ્વર્ટાઇઝર્સ પણ ખિસ્સાં ખાલી કરવાની વેતરણમાં હોય, સમગ્ર વિશ્વની નજર ભારત પર હોય અને એવામાં ટુર્નામેન્ટના પહેલા જ દિવસે (૧,૩૨,૦૦૦ પ્રેક્ષકો બેસી શકે એટલી કૅપેસિટી ધરાવતું) ક્રિકેટવિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શરૂઆતમાં ઑલમોસ્ટ ખાલીખમ જોવા મળે એ વન-ડેના ભાવિ વિશે મોટી ચિંતાનો વિષય કહેવાય.
ગયા વર્લ્ડ કપના બે ફાઇનલિસ્ટ દેશની ટીમ વચ્ચે મુકાબલો થવાનો હોય એમ છતાં ખાસ ઇન્વાયટીઝ સહિત માત્ર ૧૦,૦૦૦ના આંકડાથી સ્ટેડિયમ ભરાવાનું શરૂ થયા પછી કલાકો બાદ પણ સંખ્યા કૅપેસિટી કરતાં અડધી પણ જોવા ન મળે તો દુ:ખ થાય એ સ્વાભાવિક છે.
આઠ કલાકની મૅચ હવે અપ્રિય
માની લઈએ કે અમદાવાદનો ભાદરવાનો તડકો અસહ્ય હોવાથી ઘણા લોકોએ સ્ટેડિયમમાં આવવાનું ટાળ્યું હશે, પરંતુ ત્રણ કલાકની ટી૨૦ સામે હવે આઠ કલાકની વન-ડેમાંથી લોકોનો રસ ઓછો થઈ ગયો હોવાની ચર્ચા થવા લાગે તો દિલને આંચકો લાગ્યા વિના રહેતો નથી.
લોકપ્રિયતા વધવાને ટાણે જ ખતરો
અફઘાનિસ્તાન, આયરલૅન્ડ, નેધરલૅન્ડ્સ, સ્કૉટલૅન્ડ વગેરે રાષ્ટ્રો થોડાં વર્ષોથી ઇન્ટરનૅશનલ ક્રિકેટની મેઇન સ્ટ્રીમમાં આવ્યાં છે. ‘જેન્ટલમેન્સ ગેમ’ તરીકે પ્રખ્યાત આ મહાન રમતનો ઇટલી, ચીન, જર્મની જેવા કેટલાક દેશોમાં હજી હમણાં જ જન્મ થયો છે અને બીજા અનેક દેશોમાં આ રમત પ્રત્યે વળગણ વધી રહ્યું છે એવામાં (એક-એકથી ચડિયાતા વિક્રમો આપનાર) વન-ડે ફૉર્મેટ ફરી વેન્ટિલેટર પર જતી રહે એ કયા ક્રિકેટપ્રેમીથી સહન થાય, તમે જ કહો.
ખેલાડી બન્યા સ્ટાર્સ
વિવિયન રિચર્ડ્સ, કલાઇવ લૉઇડ, માઇકલ હોલ્ડિંગ, ઍન્ડી રૉબર્ટ્સ, કપિલ દેવ, સુનીલ ગાવસકર, સચિન તેન્ડુલકર, ઇમરાન ખાન, રિચર્ડ હેડલી, ઍન્ડી ફ્લાવર, માર્ટિન ક્રો, એલન બૉર્ડર, અર્જુન રણતુંગા, સનથ જયસૂર્યા, સૌરવ ગાંગુલી, ઝહીર ખાન, શોએબ અખ્તર, વીરેન્દર સેહવાગ, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, બ્રેટ લી, મિચલ જૉન્સન, બેન સ્ટૉક્સ અને બીજા અનેક દિગ્ગજોનાં નામ ક્રિકેટના જે ફૉર્મેટ સાથે જોડાયેલાં હોય એ વન-ડેને જાકારો મળી રહ્યો હોવાની વાત લોકોમાં જો ફરી થવા લાગે તો એવો ડર લાગે કે જાણે સમગ્ર ક્રિકેટની રમત જ લુપ્ત થઈ જશે કે શું? વન-ડે સાથે આવું થઈ રહ્યું છે તો ટેસ્ટના ફૉર્મેટનું કોણ જાણે શું થશે?
ટી૨૦ની વન-ડે પર ઘાતક અસર
૨૦૦૫-’૦૬થી ટી૨૦નું ફૉર્મેટ અપનાવાયું અને ૨૦૦૭માં ધોનીના ધુરંધરોએ ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો એ સાથે આ ફૉર્મેટની બોલબાલા વધી અને ઓડીઆઇ (વન-ડે ઇન્ટરનૅશનલ્સ)નું આકર્ષણ ઓસરવા લાગ્યું. ૨૦૦૮માં લલિત મોદી અને તેમની ટીમે આઇપીએલ શરૂ કરી એટલે લોકોના દિલમાં વન-ડે ક્રિકેટનો દરજ્જો ઘટી ગયો અને હવે તો ફ્રેન્ચાઇઝી આધારિત ટી૨૦ લીગ ટુર્નામેન્ટોનો રાફડો ફાટ્યો છે એટલે એક પછી એક પ્લેયર પણ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયર થવા લાગ્યા છે.


