ક્રિકેટ માટે ક્રેઝી અને ભારત અને ભારત સિવાયની મૅચોને પણ સ્ટેડિયમમાં બેસીને જોવાનો આગ્રહ ધરાવતા કેટલાક લોકો સાથે અમે વાતો કરી. દુનિયાભરમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો દિન દૂગના અને રાત ચૌગુના વધી રહ્યો છે અને વર્લ્ડ કપનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે
તૃષેન ભટ્ટ
ક્રિકેટનો પ્રેમ કદાચ ભારતીયોના લોહીમાં વસે છે. ક્યાંક ને ક્યાંક ક્રિકેટ એ આપણી રાષ્ટ્રીયતા સાથે જોડાઈ ગયેલી બાબત છે. ભલભલાનો દેશપ્રેમ ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈને ઘર-ઘરમાં ટીવી-સ્ક્રીન સામે જાગતો અને ભાગતો તમે જોયો હશે. ‘મારો દેશ જીતશે’વાળો જુવાળ અને એનો અનેરો રોમાંચ જોવો હોય તો સ્ટેડિયમમાં, ખાસ કરીને ભારત-પાકિસ્તાનની મૅચ ચાલતી હોય ત્યારે જોવા જેવો હોય. આવા જુવાળનો પ્રત્યક્ષ પરચો મેળવનારા અને ક્રિકેટ સાથેનો અતૂટ નાતો ધરાવતા કેટલાક ગુજરાતીઓ સાથે આ વિષય પર થયેલી મજેદાર વાતો પ્રસ્તુત છે.
ચાર મૅચ ફિક્સ
ADVERTISEMENT
રાજેશ અને ધવલ ઠક્કર
આ વર્ષે વર્લ્ડ કપમાં સૌથી વધુ રોમાંચ હશે ભારત-પાકિસ્તાનની મૅચ જોવાનો. ૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં રમાનારી આ મૅચ જોવા માટે મુલુંડના રાજેશ અને ધવલ ઠક્કરે બધી તૈયારીઓ કરી લીધી છે. વર્લ્ડ કપની મૅચ ભૂતકાળમાં નહીં જોઈ શકવાનો પારાવાર વસવસો તેઓ વેઠી ચૂક્યા છે એટલે આ વખતે કોઈ કમી ન રહી જાય એ માટે તેમણે ઍડ્વાન્સમાં જ ચાર મૅચ જોવાના પાસની ખરીદી કરી લીધી છે. વર્લ્ડ કપ હોય કે ન હોય, પણ અમારા ઘરમાં ટીવી પર ૨૪ કલાક મૅચ જ ચાલતી હોય એમ જણાવીને ઍડ્વર્ટાઇઝિંગ કંપનીમાં કામ કરતો ધવલ રાજેશ ઠક્કર કહે છે, ‘મારા પપ્પા, મારા મામા અને હું અમે ત્રણેય તો મૅચ પાછળ ક્રેઝી છીએ. માત્ર ભારતની જ નહીં, દુનિયાના કોઈ પણ દેશની મૅચ ચાલતી હોય, અમને એ જોવામાં રસ પડે. અમારું કામ ચાલતું હોય અને સાથે ટીવી-સ્ક્રીન પર અવાજ મ્યુટ કરીને મૅચ ચાલતી હોય. દરઅસલ મારા પપ્પાને મૅચનો અકલ્પનીય ક્રેઝ છે. મને યાદ છે કે હું લગભગ ૮ વર્ષનો હતો. ૨૦૦૩માં સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપની મૅચ હતી. ત્યારે પપ્પાને એ જોવા જવાનું ખૂબ મન હતું, પણ ટિકિટ સોલ્ડાઉટ હતી. ૨૦૦૩માં ફાઇનલમાં વર્લ્ડ કપમાં ભારત હારી ગયું હતું એ સમયે આ ગેમ પ્રત્યે મારો ઇન્ટરેસ્ટ શરૂ થયો હતો. ૧૯૮૭માં મારા પપ્પા ભારત અને પાકિસ્તાને ભેગાં મળીને હોસ્ટ કરેલા વર્લ્ડ કપની ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની વાનખેડેમાં યોજાયેલી મૅચ જોવા મારા પપ્પા ગયા હતા. એ મૅચ પણ ભારત હારી ગયું હતું. ૧૯૯૬માં ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયાની વાનખેડેમાં યોજાયેલી વર્લ્ડ કપ મૅચ પણ તેમણે જોઈ છે, પરંતુ એ મૅચ ઇન્ડિયા હાર્યું. મારા ખ્યાલથી એ પહેલી ડે-નાઇટ મૅચ મુંબઈમાં રમાઈ હતી, પણ એ પછી ૨૦૧૧ અને ૨૦૧૬માં તેઓ વર્લ્ડ કપ જોવા ન જઈ શક્યા. ૨૦૨૦માં ટી૨૦ વર્લ્ડ કપ જોવા માટે અમે ઑસ્ટ્રેલિયા જવાના હતા. બધું જ બુકિંગ થઈ ગયેલું. અમારી આવવા-જવાની ટિકિટ, રહેવાનું બુકિંગ અને મૅચના પાસ એમ બધું આવી ગયું હતું. જોકે ત્યારે કોવિડ આવી ગયો અને અમારો વર્લ્ડ કપ જોવા જવાનો પ્લાન ઠપ થઈ ગયો.’
જોકે ઘણાં વર્ષોના ઇન્તેજાર પછી આ બાપ-બેટાની જોડી વર્લ્ડ કપની મૅચ જોવા માટે આ વખતે તૈયાર છે. ચાર મૅચ જોવાના પાસની વ્યવસ્થા તેમણે કરી લીધી છે, જેમાં ત્રણ મૅચ જોવા માટે તેઓ અમદાવાદ અને એક મૅચ જોવા પુણે જશે. ધવલ કહે છે, ‘અમને મુંબઈની ટિકિટ ન મળી, પરંતુ અમદાવાદમાં યોજાનારી ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચના લાઇવ વિટનેસ બનવા મળશે એટલે અમે ખૂબ એક્સાઇટેડ છીએ. બાકીની ત્રણ મૅચમાં ઇન્ડિયા નથી, પણ બીજી ઇન્ટરનૅશનલ ટીમ છે, પરંતુ એને માટે પણ અમારું એક્સાઇટમેન્ટ આસમાન પર છે. પહેલી વાર મેં વેસ્ટ ઇન્ડીઝ અને ઇન્ડિયા વચ્ચેની પાંચ દિવસની ટેસ્ટ મૅચ જોઈ હતી જે ખૂબ રોમાંચક મૅચોમાંની એક હતી. પાંચ દિવસ સુધી કઈ ટીમ જીતશે એનું રિઝલ્ટ લાવવા માટે મૅચ રમાય અને નિર્ણાયક ક્ષણે ટાઇ થઈ જાય. અત્યાર સુધીની જેટલી પણ ટેસ્ટ મૅચ રમાઈ છે એમાં માત્ર ત્રણ જ ટેસ્ટ મૅચ ટાઇ થઈ છે, જેમાંની એક મૅચ મેં લાઇવ જોઈ છે.’
બહુ ઉત્સાહ સાથે લાઇવ મૅચ જોવાનો આનંદ પ્રગટ કરતાં તે કહે છે, ‘તમારી આંખ સામે ક્રિકેટર્સ રમતા હોય, પ્રત્યેક બૉલ માટેની એક પ્રાર્થના હોય, બે ટીમના લોકોનો ચિયરઅપ કરવાનો એક ટોન હોય અને અનેરો જ માહોલ સ્ટેડિયમમાં જામતો હોય છે. ગ્રાઉન્ડનું જે ટેમ્પરામેન્ટ હોય છે એનું તમે શબ્દોમાં વર્ણન ન કરી શકો.’
ઑસ્ટ્રેલિયામાં ભારતનો દબદબો
ઑસ્ટ્રેલિયામાં રહેતો તૃષેન ભટ્ટ ક્રિકેટનો જબરો શોખીન છે. આમ તો તૃષેન એન્જિનિયર ટેક્નૉલૉજિસ્ટ તરીકે પોતાની ફર્મ ચલાવે છે, પરંતુ ક્રિકેટની વાત આવે ત્યારે એને માટે આખી દુનિયા એક તરફ હોય છે. ઑસ્ટ્રેલિયામાં પોતે જે સિટીમાં રહે છે ત્યાંની ક્રિકેટ ક્લબનો મેમ્બર હોવાની સાથે ઑસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓ વચ્ચે યોજાતી ટી૨૦ મૅચમાં પણ તે પાર્ટિસિપેટ કરે છે. આજ સુધી અનેક વાર સ્ટેડિયમમાં મૅચ જોઈ ચૂકેલો તૃષેન જોકે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયામાં યોજાયેલા આઇસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચનો અનુભવ ક્યારેય ભૂલી નથી શકવાનો. એ મૅચ કઈ રીતે ખાસ હતી એનું વર્ણન કરતાં તૃષેન કહે છે, ‘એ મૅચ મારા જીવનની સૌથી યાદગાર મૅચમાંની એક એટલા માટે છે કે અમે રીતસર સ્ટેડિયમમાં પાકિસ્તાનીઓ સાથે બેસીને ભારતને ખરાખરીની મૅચમાં જીતતું જોયું છે. હકીકતમાં એ મૅચ વખતે ઑસ્ટ્રેલિયન વેધર ડિપાર્ટમેન્ટની દૃષ્ટિએ ભારે વરસાદની આગાહી હતી. આમ પણ ઑસ્ટ્રેલિયામાં વેધર ક્યારેય ચેન્જ થઈ જાય છે. વરસાદને કારણે મૅચ કૅન્સલ જ થશે એવી પૂરી સંભાવના હતી એટલે ઘણા લોકોએ પોતાની ટિકિટ વેચી દીધી હતી, પરંતુ અમે બ્લૅકમાં ૧૪૦ ડૉલર ખર્ચીને ટિકિટ ખરીદી હતી અને છેક સુધી આશાવાદી હતા. મૅચ અઢી વાગ્યે શરૂ થવાની હતી છતાં અમે અમારી પ્લેસ પરથી સવારે સાડાદસ વાગ્યે નીકળી ગયા હતા. બહુ ભીડ હોય છે આવી મૅચ વખતે એટલે બધા જ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે. તમે માનશો નહીં, પણ આખી ટ્રેન ભારતીય અને પાકિસ્તાનીઓથી ભરેલી. ટ્રેનમાં અમે જઈ રહ્યા હતા ત્યારે સૂરજનું એક કિરણ ટ્રેનની વિન્ડોમાંથી દેખાયું અને ટ્રેનના તમામ પૅસેન્જરોએ ચિચિયારી પાડીને એ ક્ષણને વધાવી લીધી હતી. જે દિવસે વરસાદની આગાહી હતી એને બદલે તડકો આવ્યો અને હવે મૅચ કૅન્સલ નહીં જ થાય એની ખાતરી થઈ ગઈ. સ્ટેડિયમ નજીક પહોંચ્યા ત્યારે પણ લોકોની ભારે ભીડ અને વાતાવરણમાં જબરો ઉત્સાહ. મ્યુઝિક વાગતું હતું, કોઈ નૅશનલ ફેસ્ટિવલ હોય એમ બન્ને દેશના લોકો પોતપોતાના ફ્લૅગ સાથે સેલિબ્રેશનના મૂડમાં જ હતા. મૅચ શરૂ થઈ અને પાકિસ્તાનની બૅટિંગ આવી. એ દિવસે એ ટીમે ૧૫૯ રન સાથે જબરો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ પર જબરદસ્ત પ્રેશર હતું. એની વચ્ચે વિરાટ કોહલીની કૃપાથી સિક્સર અને છેલ્લે અશ્વિનની જબરી ફોરે આપણને મૅચ જિતાડી દીધી. કોઈ કાળે એ મૅચ જિતાય એવા અણસાર નહોતા. છેલ્લે આઠ બૉલમાં ૨૮ રન જોઈતા હતા અને આપણને ખબર છે કે પાકિસ્તાનના પ્લેયર્સ બોલિંગમાં જોરદાર છે. એ પછીયે છેલ્લી ઓવરમાં એક નો-બૉલમાં વિરાટે સિક્સર મારી અને બીજા બૉલમાં પણ સિક્સર. એમ એક જ બૉલમાં ૧૨ રન મળી ગયા. છેલ્લે એક બૉલમાં બે રન જોઈતા હતા ત્યારે અશ્વિન સ્ટ્રાઇક પર હતો. તેણે મગજ શાંત રાખીને જે શૉટ માર્યો, બૉલ સીધો બાઉન્ડરી લાઇન પર. યુ વૉન્ટ બિલીવ, પણ ત્યારે આખું સ્ટેડિયમ જંગનું મેદાન બની ગયું હતું. આપણા પ્લેયર સારું રમે એટલે આપણે તેમની સામે ચાળા પાડીએ અને જેવું પાકિસ્તાનના પ્લેયરનો પર્ફોર્મન્સ સારો આવે ત્યારે સ્ટેડિયમમાં બેસેલા પાકિસ્તાનીઓ આપણી સામે ચાળા પાડે. આપણા ફ્લૅગથી પોતાનો ફ્લૅગ વધુ ઊંચો લહેરાવે. એકબીજાને હાર્મ કર્યા વિના આવી રસાકસી સ્ટેડિયમમાં આજુબાજુમાં બેસીને લોકો કરે અને ત્યારે કોઈ જુદો જ રોમાંચ હોય. પછી તો મૅચ જીત્યા પછી બધા ગ્રાઉન્ડ પર ગરબા રમ્યા, પાર્ટી કરી અને જે જલસો કર્યો છે કે વાત ન પૂછો. અઢળક મૅચો સ્ટેડિયમમાં જોઈ છે, પરંતુ આ મૅચનો જલસો કાંઈક જુદો જ હતો.’
ક્રિકેટ ઇઝ લાઇફ
કાંદિવલીમાં રહેતા મુકેશ હરેશકુમાર કપાનીનો ક્રિકેટ સાથેનો નાતો તેઓ એક વર્ષના હતા ત્યારથી જોડાયો છે, જે આજે ૬૦ વર્ષની ઉંમરે પણ અકલ્પનીય રીતે અકબંધ છે. ક્રિકેટ એ જીવન જીવવાની કળા શીખવનારું સ્પોર્ટ્સ છે એમ માનતા મુકેશભાઈ કહે છે, ‘ક્રિકેટનો પહેલો અનુભવ બહુ સારો નથી રહ્યો, પરંતુ એ પછી ક્રિકેટ મારા જીવનનો પહેલો પ્રેમ છે એવું કહેતાં મને સંકોચ નહીં થાય. નાનપણમાં હું જ્યાં રહેતો હતો ત્યાં મારાથી મોટી ઉંમરનાં બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતાં એ દરમ્યાન હું વચ્ચે આવતો હતો એટલે તેમણે મને એક ટેબલ પર બેસાડી દીધો હતો. હવે એમાં બન્યું એવું કે ટેબલ એ સ્ટમ્પથી સહેજ ઊંચું હતું. એક પ્લેયરે શૉટ માર્યો અને જોરથી બૉલ મારા ગાલ પર વાગ્યો અને હું ટેબલ પરથી જ નહીં, પણ સીધો પહેલા માળેથી નીચે પડ્યો. નસીબ એટલું સારું કે સહીસલામત બચી ગયો. જોકે એક વર્ષની ઉંમરે ક્રિકેટના આ પરચાએ ક્રિકેટ પ્રત્યેના મારા પ્રેમને ઘટાડ્યો નથી, વધાર્યો છે. નાની ઉંમરથી ગલીમાં, શેરીમાં, ગ્રાઉન્ડ પર, ટેરેસ પર અને ઇન ફૅક્ટ ઘરમાં પણ ક્રિકેટ રમ્યો છું. એકેય એવી જગ્યા નથી જ્યાં હું ક્રિકેટ નથી રમ્યો. જેટલું ક્રિકેટ રમ્યો છું એટલી જ મૅચ મેં સ્ટેડિયમમાં જઈને જોઈ પણ છે. ભારતીય ટીમની પ્રતિભા જગજાહેર છે. આપણા પ્લેયર કૅપેબલ જ નથી, અકલ્પનીય રીતે ટૅલન્ટેડ પણ છે. તેમની મહેનત, પ્રૅક્ટિસ અને સ્કિલ્સ ગ્રાઉન્ડ પર જોવાનો લહાવો હું ક્યારેય ચૂકતો નથી. શ્રીલંકા સામેની ફાઇનલ મૅચ મેં જોઈ છે અને એ મૅચમાં શ્રીલંકાના પ્લેયર્સની જે રીતે ધુલાઈ આપણી ટીમે કરી હતી એ માહોલ આજે પણ મારા મનમાં સંઘરાયેલો છે.’
૬૦ વર્ષે પણ ક્રિકેટ રમતી વખતે એકથી એક શૉટ ફટકારીને ભલભલાને વિચારતા કરી મૂકતા અને ફિલ્મો, નાટકો, સિરિયલો અને વેબ-સિરીઝમાં ઍક્ટિંગ કરી ચૂકેલા મુકેશભાઈ ક્રિકેટની પાછળ રહેલી ફિલોસૉફીને બહુ રોચક રીતે પ્રસ્તુત કરતાં કહે છે, ‘ક્રિકેટ આપણું જીવન સૂચવે છે. જીવનમાં તમારે એક ગોલને અચીવ કરવાનો છે જેનું રિપ્રેઝન્ટેશન ગ્રાઉન્ડ પરનો બૉલ છે. તમારે સિક્સર, ફોર મારવાની હોય કે દોડીને રન લેવાનો હોય એ દરમ્યાન તમે આઉટ ન થાઓ એનું ખાસ ધ્યાન રાખવાનું હોય. ૧૧ પ્લેયર ઑબ્સ્ટેકલ્સ બનીને તમને અટકાવવા માટે તૈયાર જ હોય છે, પરંતુ એમ છતાં તમારે તમારી બુદ્ધિ અને મહેનતથી તેમને હરાવવાના છે. તમારા ગોલને અચીવ કરવા માટે આવી જ રીતે મુસીબતો તમારી સામે ફીલ્ડર્સ બનીને તમને અટકાવવા માટે ઊભી જ હોય છે. બૅટ્સમેન, બોલર્સ, વિકેટકીપર, ફીલ્ડર એમ દરેક રોલ જે ક્રિકેટ ગ્રાઉન્ડ પર નિભાવતા હોય છે એ આપણા જીવન સાથે પણ સંકળાયેલા જ છે. ક્રિકેટ તમારો આત્મવિશ્વાસ વધારતી રમત છે. તમને જીવનની મુસીબતો સામે સ્પોર્ટ્સમૅન સ્પિરિટ જાળવીને પણ કેમ રમાય એ શીખવતી રમત છે.’
ઇતિહાસના સાક્ષી
ખુશમન વૈદ્ય
૧૯૪૮માં ૭ વર્ષની ઉંમરે પહેલી વાર બ્રેબોર્ન સ્ટેડિયમમાં જઈને મૅચ જોવાનો અનુભવ લેનારા ૮૧ વર્ષના ખુશમન વૈદ્ય હવે સ્ટેડિયમમાં નથી જતા, પરંતુ ક્રિકેટ માટેનો તેમનો શોખ જરાય ઘટ્યો નથી. ટીવી પર મોટી સ્ક્રીન પર ક્રિકેટની લગભગ દરેક મૅચ તેમણે જોઈ છે અને એ જોવાથી ચુકાય નહીં એનું ધ્યાન પણ તેમણે રાખ્યું છે. ખુશમનભાઈ પોતાના અનેરા ઉત્સાહ સાથે કહે છે, ‘અમારો પરિવાર ૧૫૦ વર્ષથી મુંબઈમાં રહે છે. મારા દાદાજી અહીં આવેલા. કાલબાદેવીમાં રેડિયોની દુકાન હતી મારા પપ્પાની. નાનપણમાં રેડિયો પર ક્રિકેટની ભરપૂર કૉમેન્ટરી સાંભળી છે. ૫૦ વર્ષ અમે વિલે પાર્લે રહ્યા અને હવે બોરીવલીમાં રહીએ છીએ. જોકે મારા જન્મ પહેલાંથી જ અમારા ઘરમાં ક્રિકેટનો માહોલ હતો. ઘરમાં અખબાર આવતું એમાં પણ સ્પોર્ટ્સ સેક્શન હું વાંચતો. પ્લસ મારી સ્કૂલ આઝાદ મેદાનની સામે હતી. ત્યાં માત્ર ફીલ્ડિંગ કરવા દેજો મને એમ કહીને પણ જે ટીમ રમતી હોય તેમની સાથે હું સામેલ થઈ જતો. નાનપણથી જ ક્રિકેટનું ઘેલું હતું જાણે. મારા મામા મને પહેલી વાર બ્રેબોર્ન સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ જોવા લઈ ગયેલા, ત્યારે હું ૭ વર્ષનો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ મુંબઈ આવેલી. ક્રિકેટ મને વારસામાં મળ્યું છે. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી મુંબઈમાં જેટલી મૅચ રમાઈ છે એ બધી મેં સ્ટેડિયમમાં જોઈ છે. ૧૯૬૪-’૬૫માં ઑસ્ટ્રેલિયા સામે આપણી મૅચ હતી. બહુ યાદગાર મૅચ છે એ મારા માટે. પટૌડી આપણી ટીમના કૅપ્ટન હતા. ત્યારની અને અત્યારની ગેમમાં ઘણો બદલાવ આવ્યો છે. મેથડ બદલાઈ, સ્પીડ બદલાઈ અને અપ્રોચ પણ બદલાયો છે.’
જીવનભરનો રોમાંચ
ક્રિકેટમાં નાનપણથી રસ ધરાવતા અને આજે પણ નિયમિત ક્રિકેટ રમતા લાલબાગમાં રહેતા દીપેશ છેડા પોતાના જીવનની ૧૯૯૬ની વિલ્સ વર્લ્ડ કપ મૅચ જોવાની ક્ષણને ક્યારેય ભૂલી નથી શકવાના. એચઆર કૉલેજમાં પોતાની કૉલેજની ટીમના કૅપ્ટન હોવાના નાતે તેમને વર્લ્ડ કપ જોવા જવાની ટિકિટ કેવી રીતે મળી એ રોચક પ્રસંગ યાદ કરતાં તેઓ કહે છે, ‘એ સમયે સચિન તેન્ડુલકર અમારા ભગવાન હતા. વાનખેડેમાં ઑસ્ટ્રેલિયા સાથે આપણી વિલ્સ વર્લ્ડ કપ ગ્રુપ-‘એ’ની મૅચ હતી એવી ખબર પડી ત્યારથી જ એની ટિકિટ મેળવવા તિકડમ્ ચાલુ કર્યાં. સ્વાભાવિક રીતે કૉલેજમાં હતા એટલે બજેટનો પ્રૉબ્લેમ તો હોય જ, પરંતુ કોઈ પણ હિસાબે મૅચ જોવી એટલે જોવી જ એવું નક્કી હતું એટલે અમારી કૉલેજના સ્પોર્ટ્સના સાવેસર ભગવાન બનીને આવ્યા. તેમની પાસે બે ટિકિટ આવી હતી અને હું કૅપ્ટન હતો એટલે મને એક ટિકિટ આપી. મને હજી પણ યાદ છે ૨૭ ફેબ્રુઆરીએ મૅચ હતી એટલે આગલી રાતે એક્સાઇટમેન્ટમાં ઊંઘ પણ નહોતી આવી. ઑસ્ટ્રેલિયાની બૅટિંગ હતી અને એ સમયના પ્લેયર માર્ક વૉ ઍન્ડ ટેલરની જબરદસ્ત પાર્ટનરશિપ થઈ અને ઑસ્ટ્રેલિયાના ૨૫૦ રન થયા હતા. સેકન્ડ ઇનિંગમાં અમારો ભગવાન સચિન ગ્રાઉન્ડ પર એન્ટર થયો અને આખું સ્ટેડિયમ ‘સચિન સચિન’ના નારા સાથે ગુંજી ઊઠ્યું. રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. આખા સ્ટેડિયમમાં ‘જીતેગા ભાઈ જીતેગા, ઇન્ડિયા જીતેગા...’ અને ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી રહ્યા હતા. સચિન અને સંજય માંજરેકરની પાર્ટનરશિપથી લાગ્યું કે ભારત જીતી જશે, પણ ૧૫ રનથી આપણે હાર્યા... જોકે ત્યારે પણ મુંબઈગરાની ખેલદિલીનાં દર્શન થયાં હતાં. ઑસ્ટ્રેલિયન ટીમને આપણા લોકોએ વધાવી લીધી હતી. એક વાત સાચી કે ટીવી પર ગમે એટલી મૅચ જુઓ, પણ સ્ટેડિયમમાં મૅચ જોવાની મજા જ અલગ છે.’
૨૦૧૧ની વર્લ્ડ કપની ફાઇનલ મૅચ યાદ છે તમને?
૨૦૧૧માં વર્લ્ડ કપની ફાઇનલ મૅચ મુંબઈમાં યોજાયેલી યાદગાર મૅચમાંની એક છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની આ મૅચ માટે બીસીસીઆઇ થ્રૂ આઇસીસી દ્વારા મીડિયા મૅનેજર તરીકે ડૉ. એસ. એચ. જાફરી (હુમાયુ જાફરી)ની નિમણૂક કરવામાં આવી હતી. તાતા હૉસ્પિટલ સાથે સંકળાયેલા હુમાયુ જાફરી માટે એ સમય કોઈ સપનાથી ઓછો નહોતો. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, ‘વાનખેડેમાં વર્લ્ડ કપની ફાઇનલ મૅચ યોજાવાની હતી અને એને માટે મુંબઈમાં મહિનાઓ પહેલાંથી એક અલગ માહોલ બની ગયો હતો. આઇસીસીના સ્પેસિફિકેશન પ્રમાણે અમે પણ મહિનાઓ પહેલાંથી તૈયારી શરૂ કરી દીધી હતી. શરદ પવાર આઇસીસીના પ્રેસિડન્ટ હતા અને દરેક તૈયારી પર તેઓ પણ વ્યક્તિગત રીતે ઝીણવટપૂર્વક ધ્યાન રાખી રહ્યા હતા. મને બરાબર યાદ છે કે ફાઇનલ મૅચ હતી એની આગલી સવારે હું શૉર્ટ્સ અને ટીશર્ટમાં સવારે સાડાપાંચ વાગ્યે કામ કરી રહ્યો હતો. દુનિયાભરમાંથી આવનારા મીડિયા પર્સન માટે પ્રેસ-બૉક્સની તૈયારી કરી હતી અને એ સિવાયની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. સવારે સાડાપાંચ વાગ્યે મારી ઑફિસની સામેની લિફ્ટ ખૂલી અને એમાંથી બીસીસીઆઇના પ્રો. શેટ્ટી અને શરદ પવાર બહાર આવ્યા અને મારી પાસેથી બધી તૈયારીની ઝીણવટપૂર્વક જાણકારી લેવા માંડ્યા. સુવેનિયર પૅન, બૅગ્સ અને વર્લ્ડ કપના બ્રૉશરની વિગત પણ તેમણે મારી પાસેથી લીધી હતી. બધી તૈયારીમાં સંતોષપૂર્ણ જવાબ મળ્યા એટલે તેમણે મને અભિનંદન આપ્યાં અને તેઓ નીકળી ગયા. એ જ દિવસે જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું એ પછી ભારતીય ટીમ ગ્રાઉન્ડ પર રાઉન્ડ મારી રહી હતી. ધોની અને હું પાછળ હતા અને આગળ ભજ્જીએ સચિનને ઊંચકી લીધો હતો. મેં ધોનીને અમસ્તા જ પૂછ્યું કે તેમને યોગ્ય લાગે કે તેમને આગળ કરવા માટે રસ્તો ક્લિયર કરાવું ત્યારે ધોનીએ કહ્યું બધાને એન્જૉય કરવા દો, આપણે પાછળ જ ચાલીએ. લીડર તરીકે ધોની કેટલો અદ્ભુત છે એનો અનુભવ મને થયો હતો. આજે પણ મારા પરિચિતો જ્યારે ધોનીની ફિલ્મ જુએ છે ત્યારે અમે પાછળ ચાલી રહ્યા છીએ એ સીન એમાં કૅપ્ચર થયેલો છે એ જુએ એટલે મને ફોન કરતા હોય છે. વર્લ્ડ કપની આખી પ્રોસેસને આટલી નજીકથી જોવાનો એ અનુભવ હું જીવનમાં ક્યારેય ભૂલી નથી શકવાનો.’
ચીનના એક પબમાં ભારતીયો અને પાકિસ્તાનીઓ ક્રિકેટને કારણે જ્યારે આમને-સામને આવી ગયેલા
મુલુંડમાં રહેતા અને ઇલેક્ટ્રૉનિક કમ્પોનન્ટનું કામ કરતા પરાગ મહેતા ક્રિકેટપ્રેમી છે અને સેંકડો વખત સ્ટેડિયમમાં જઈને ક્રિકેટ જોઈ ચૂક્યા છે. આજે પણ નિયમિત ક્રિકેટની પ્રૅક્ટિસ કરતા અને પોતાની એક ક્રિકેટ ટીમ ધરાવતા પરાગભાઈને જોકે સૌથી વધુ મજા ચીનમાં આવેલી, જ્યારે અનાયાસ જ ઇન્ડિયા-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની એક મૅચ તેમણે ચીનમાં જોઈ હતી. એ દિવસને યાદ કરતાં પરાગભાઈ કહે છે, ‘હું મારા કામસર ચીન ગયો હતો. ૨૦૦૭માં ભારત-પાકિસ્તાન વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ હતી. જે દિવસે મૅચ હતી એ દિવસે મારે નીકળવાનું હતું. જોકે મારા ફ્રેન્ડ્સે કહ્યું કે ચીનમાં રહેતા ઇન્ડિયન ફ્રેન્ડ્સ એક પબમાં મોટી સ્ક્રીન પર મૅચ જોવા ભેગા થવાના છે. બધા માટે ટીશર્ટ્સ પણ પ્રિન્ટ કરાવ્યાં છે. તેના કહેવાથી હું પણ તેમની સાથે જોડાઈ ગયો. પબમાં ગયા તો ઇન્ડિયન્સની જેમ પાકિસ્તાનીઓ પણ સારી સંખ્યામાં મૅચ જોવા ભેગા થયા હતા અને રસાકસી પબમાં જામી હતી. પ્રત્યેક ચોક્કા સાથે આપણા લોકો ગણપતિબાપ્પા મોરયાનો નારો લગાવે અને તેમની સાઇડની પ્રત્યેક નાની વિક્ટરી સાથે તેઓ અલ્લાહના નામનો નારો લગાવતા. બહુ જ સ્ટનિંગ મૅચ હતી. અમે લોકો ઇન્ડિયાના ટીશર્ટ સાથે અને એ લોકો પાકિસ્તાનના નામવાળા ટીશર્ટ સાથે હતા. પ્રત્યેક રન સાથે પબમાં ચિચિયારીઓ થતી. એકબીજાને નીચા દેખાડવાની કોશિશ થતી. થોડી મૅચ ઇન્ડિયાતરફી થઈ એટલે બે-ત્રણ ઇન્ડિયન પંજાબીઓ પાકિસ્તાની જ્યાં બેઠા હતા એ ટેબલ પર જઈને બૉટલ પછાડી આવ્યા એટલે વાત મારામારી સુધી પહોંચે એવો માહોલ હતો. બહુ ગરમાગરમી ચાલતી જોઈને પબના માલિકે પોલીસને બોલાવી અને પોલીસે બન્ને ગ્રુપને ધમકી આપી કે જે કરવું હોય એ તમારા દેશમાં કરો, અહીં તોફાન કર્યું છે તો ઊંચકી જઈશું. એ પછી થોડી શાંતિ થઈ, પણ ફાઇનલી મૅચ ભારત જીત્યું અને પોતાનું ખાવાનું અને ડ્રિન્ક અડધું છોડીને પાકિસ્તાનીઓ ત્યાંથી ચાલી ગયા અને અમે જોરદાર પાર્ટી કરી, ડાન્સ કર્યો અને જે જલસો કર્યો છે. પાર્ટીમાંથી સીધો ચાર વાગ્યે નીકળીને હું ઍરપોર્ટ પહોંચ્યો. ૬ વાગ્યાની ફ્લાઇટ હતી અને સીધો ઇન્ડિયા આવ્યો. મારા જીવનનો એ જલસો હું ક્યારેય ભૂલી નથી શકવાનો. ચીનમાં પાકિસ્તાન હાર્યું અને પાકિસ્તાનીઓ સામે અમે જલસો કર્યો હતો.’

