‘મેન ઇન બ્લુ’ માટે ‘મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી હૈ’ ઃ પિચ આપણી, ફુલ ક્રાઉડ આપણું અને નંબર-વનનો ટૅગ પણ છે આપણી પાસે ઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વાર વિશ્વવિજેતા બનવાનો મોકો, આવી તક જલદી નહીં મળે એટલે મરતે દમ તક લડી લો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વાર વિશ્વવિજેતા બનવાનો મોકો
એક તરફ ભારતના અસંખ્ય ઍથ્લીટ્સ ચીનની એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રકો જીતી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભારતમાં જ આપણા ક્રિકેટર્સને ફરી વન-ડેના બેતાજ બાદશાહ બનવાનો સુવર્ણ મોકો મળવાની શરૂઆત થઈ રહી છે.
૧૯૮૩માં તો આપણે બ્રિટિશર્સની ધરતી પર કપિલ દેવના સુકાનમાં વર્લ્ડ ચૅમ્પિયન બનીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી, પરંતુ ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતને બીજી વાર વિશ્વવિજેતા બનવાનો મોકો ઘરઆંગણે મળ્યો હતો જેમાં આપણે સફળ થયા હતા. ત્યાર પછીના બે વર્લ્ડ કપમાં આપણે તો નબળા પુરવાર થયા, પરંતુ યજમાન દેશે જ ચૅમ્પિયનપદ મેળવ્યું એટલે ૨૦૧૧માં ભારતે શરૂ કરેલી પરંપરા જળવાઈ રહી હતી. ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયાએ મેલબર્નમાં અને ૨૦૧૯માં ઇંગ્લૅન્ડે લૉર્ડ્સમાં ફાઇનલ જીતીને વિજેતાપદની મિજબાની કરી એ પછી હવે ‘મેન ઇન
ADVERTISEMENT
બ્લુ’ને ૧૯ નવેમ્બરે અમદાવાદમાં ત્રીજા વિશ્વવિજેતાપદનો જશન માણવાનો મોકો છે.
૧૨ વર્ષે ભારતમાં ઓડીઆઇ વર્લ્ડ કપનું કમબૅક થઈ રહ્યું છે અને જો આપણે જીતીશું તો કહેવાશે, ‘બાર વર્ષે બાવો બોલ્યો’. આમેય આપણે ૧૦ વર્ષથી આઇસીસી ટ્રોફી નથી જીતી શક્યા એટલે હવે તો એ મહેણું ભાંગવાની સોનેરી તક છે. એક તો આપણી પાસે વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ ટૉપ-ઑર્ડર છે. બીજું, હોમ-પિચ ઉપરાંત હોમ-ક્રાઉડનો પૂરો ફાયદો પણ મળવાનો છે. ફાસ્ટ બોલર્સની બ્રિગેડ પણ અત્યારે વિશ્વની ટોચની ત્રણ ફોજમાં ગણી શકાય. આપણા એક પણ ખેલાડીને ટુર્નામેન્ટ દરમ્યાન ઈજા ન નડે તો લખી રાખજો કે ૧૯ નવેમ્બરે અમદાવાદમાં ૧,૩૨,૦૦૦ પ્રેક્ષકોની હાજરીમાં અને કરોડો ટીવી-દર્શકોની આશાભરી નજર સામે ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો જ ડંકો વાગશે અને કપિલ દેવ તથા મહેન્દ્ર સિંહ ધોની પછી રોહિત શર્માનું નામ ભારતીય ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાઈ જશે.
ભારત અત્યારે ટેસ્ટ તથા ટી૨૦માં અને વન-ડે ફૉર્મેટમાં પણ વર્લ્ડ નંબર વન છે અને એવામાં જો આપણે વર્લ્ડ ચૅમ્પિયન બનીશું તો સોનામાં સુગંધ ભળશે. આપણી પાસે બૅટિંગમાં બહુ સારી ડેપ્થ છે, હાર્દિક પંડ્યા જેવો ઑલરાઉન્ડર છે, ફાસ્ટ બોલિંગમાં વિકેટ-ટેકિંગ બોલર્સ છે અને સ્પિન ડિપાર્ટમેન્ટમાં તો પૂછવું જ શું! બે લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા તેમ જ અનુભવી રાઇટ-આર્મ ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન આપણી જ ટર્નિંગ વિકેટો પર ભલભલા હરીફોને જાળમાં ફસાવી શકે એમ છે.
વર્લ્ડ નંબર-વન બોલર મોહમ્મદ સિરાજ આપણી પાસે છે અને વર્લ્ડ નંબર-ટૂ બૅટર શુભમન ગિલ પણ જબરદસ્ત ફૉર્મમાં છે એ જોતાં પણ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ અત્યારે બુલંદીની ટોચ પર જ હોવો જોઈએ.
રોહિત શર્મા ઉપરાંત આર. અશ્વિનનો અને કદાચ વિરાટ કોહલીનો આ છેલ્લો વન-ડે વર્લ્ડ કપ હોઈ શકે છે એ જોતાં તેઓ પોતાની હાજરીમાં ટીમ ઇન્ડિયાને ચૅમ્પિયન બનાવવામાં કોઈ કસર નહીં છોડે.આ ૧૩મો ઓડીઆઇ વર્લ્ડ કપ છે અને આશા રાખીએ કે ૧૩ નંબર આપણા માટે અનલકી નહીં પણ નસીબવંતો સાબિત થાય.