પાંચમી ઑક્ટોબરે અમદાવાદમાં શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં આ સ્પર્ધાના માહોલમાં આવવા વૉર્મ-અપ મૅચ જરૂરી છે
ગઈ કાલે સાઉથ આફ્રિકાના માર્કરમના બૉલમાં કિવી બૅટરનો કૅચ છૂટ્યો હતો
કેરલાના તિરુવનંતપુરમમાં આજે (બપોરે ૨.૦૦ વાગ્યાથી) ભારતની છેલ્લી વૉર્મ-અપ મૅચ રમાશે. નેધરલૅન્ડ્સ સામેની આ મૅચમાં ભારતીય ખેલાડીઓ માટે ખૂબ અગત્યની છે, કારણ કે ગુવાહાટીમાં ભારતની ઇંગ્લૅન્ડ સામેની પ્રૅક્ટિસ મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ એશિયા કપમાં અને ઑસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમ્યા હોવાથી તેમને બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની મૅચ-પ્રૅક્ટિસ તો ઘણી થઈ છે, પરંતુ પાંચમી ઑક્ટોબરે અમદાવાદમાં શરૂ થનારા વર્લ્ડ કપ પહેલાં આ સ્પર્ધાના માહોલમાં આવવા વૉર્મ-અપ મૅચ જરૂરી છે.
આજે હૈદરાબાદમાં બપોરે ૨.૦૦ વાગ્યાથી છેલ્લી વૉર્મ-અપ મૅચ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બીજી બાજુ ગુવાહાટીમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડ ૭ રનથી જીત્યું
ગઈ કાલે તિરુવનંતપુરમમાં ન્યુ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને વૉર્મ-અપ મૅચમાં ૭ રનથી હરાવ્યું હતું. ૨૦૧૯ના રનર-અપ કિવીઓની વર્લ્ડ કપ પહેલાંની આ છેલ્લી મૅચ હતી. હવે તેઓ ગુરુવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામે વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં રમશે. શુક્રવારની વૉર્મ-અપ મૅચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવનાર ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે ૬ વિકેટે ૩૨૧ રન બનાવ્યા પછી સાઉથ આફ્રિકાની ટીમ નવા ટાર્ગેટ મુજબ ૩૭ ઓવરમાં ૨૧૯ રનને બદલે ૪ વિકેટે ૨૧૧ રન બનાવી શકી હતી.


