એશિયા કપ જીતવા ૮ ટીમ વચ્ચે ૧૦ દિવસમાં રમાશે ૧૫ મૅચ : ૭ વખત ચૅમ્પિયન બન્યું છે ભારત
એશિયા કપની ટ્રોફી સાથે ૮ ટીમની કૅપ્ટન્સનું ફોટોશૂટ.
શ્રીલંકાની ધરતી પર આજથી T20 ફૉર્મેટમાં વિમેન્સ એશિયા કપની શરૂઆત થશે. ૨૦૦૪થી ૨૦૦૮ સુધી આ ટુર્નામેન્ટની ચાર સીઝન વન-ડે ફૉર્મેટમાં રમાઈ હતી. ૨૦૧૨થી વિમેન્સ એશિયા કપ T20 ફૉર્મેટમાં છે. આ ટુર્નામેન્ટની ૮ સીઝનમાં ૭ વાર ભારતીય વિમેન્સ ટીમ ચૅમ્પિયન બની છે. ૨૦૧૮માં બંગલાદેશ ફાઇનલમાં ભારતને હરાવીને ચૅમ્પિયન બન્યું હતું.
ગ્રુપ Aમાં પાકિસ્તાન, ભારત, નેપાલ અને યુએઈનો તથા ગ્રુપ Bમાં શ્રીલંકા, બંગલાદેશ, થાઇલૅન્ડ અને મલેશિયાનો સમાવેશ છે. કુલ ૮ ટીમ વચ્ચે ૧૦ દિવસમાં ૧૫ મૅચ રમાશે. ૨૬ જુલાઈએ બે સેમી ફાઇનલ અને ૨૮ જુલાઈએ ફાઇનલ મૅચ રમાશે. ભારત આ ટુર્નામેન્ટમાં ૨૦માંથી ૧૭ મૅચ જીત્યું છે.
ADVERTISEMENT
આજે એશિયા કપની પહેલી મૅચ બપોરે બે વાગ્યાથી નેપાલ અને યુએઈ વચ્ચે રમાશે. બન્ને ટીમ બીજી વખત આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. એશિયા કપનો ખરો રોમાંચ સાંજે ૭ વાગ્યાથી ભારત અને પાકિસ્તાનની મૅચથી શરૂ થશે. ભારતે આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ૧૪ મૅચમાં ૧૧ જીત નોંધાવી છે અને હરમનપ્રીત કૌર આ રેકૉર્ડને આગળ વધારવાનું લક્ષ્ય રાખશે. ભારત માટે સૌથી સારી બાબત એ છે કે સ્મૃતિ માન્ધનાનું શાનદાર ફૉર્મ છે અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર અને સ્પિનર રાધા યાદવ પણ શાનદાર ફૉર્મમાં છે.

