પાકિસ્તાને અંતિમ મૅચ ૧૩ રને જીતીને ૨-૧થી T20 સિરીઝ કબજે કરી, કૅરિબિયન ટીમ સામે સળંગ સાતમી T20 સિરીઝ જીત્યું
T20 સિરીઝ ૨-૧થી જીતી ગયા બાદ ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતા પાકિસ્તાની પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફ.
પાકિસ્તાની ટીમે યજમાન વેસ્ટ ઇન્ડીઝ સામે ૩ મૅચની T20 સિરીઝને ૨-૧થી પોતાને નામે કરી છે. ગઈ કાલે ત્રીજી અને નિર્ણાયક મૅચમાં પાકિસ્તાને ૧૩ રનથી બાજી મારી હતી. પાકિસ્તાને ચાર વિકેટ ગુમાવીને ૧૮૯ રન કર્યા હતા જે વર્તમાન સિરીઝનો અને ઘરની બહાર વેસ્ટ ઇન્ડીઝ સામેનો હાઇએસ્ટ T20 સ્કોર હતો. ૧૯૦ રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૬ વિકેટે ૧૭૬ રન જ કરી શકી હતી. વર્ષ ૨૦૧૩થી વેસ્ટ ઇન્ડીઝ સામે પાકિસ્તાનની આ સાતમી T20 સિરીઝ જીત છે. તેઓ આ ફૉર્મેટમાં કૅરિબિયન ટીમ સામે ક્યારેય સિરીઝ નથી હાર્યા.
પાકિસ્તાનના ઓપનર્સ સાહિબજાદા ફરહાન (૫૩ બૉલમાં ૭૪ રન) અને સૈમ અયુબ (૪૯ બૉલમાં ૬૬ રન)એ ૧૭મી ઓવર સુધીમાં વિકેટ ગુમાવ્યા વગર ૧૩૮ રનની મજબૂત ભાગીદારી કરી હતી. બીજી મૅચનો હીરો જેસન હોલ્ડર (૩૪ રનમાં એક વિકેટ) સહિતના બોલર્સ ખાસ કમાલ કરી શક્યા નહોતા. ૩ ફોર અને પાંચ સિક્સર ફટકારનાર સાહિબજાદા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ADVERTISEMENT
સાત વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ ફાસ્ટ બોલર મોહમ્મદ નવાઝ (૩૩ રનમાં એક વિકેટ) સહિતના પાકિસ્તાની બોલર્સે યજમાન ટીમ સામે કડક બોલિંગ કરી હતી. કૅરિબિયન ટીમના ઓપનર ઍલિક ઍથેનાઝ (૪૦ બૉલમાં ૬૦ રન) અને ઓપનર શેરફેન રૂધરફોર્ડ (૩૫ બૉલમાં ૫૧ રન)એ મોટી ઇનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી પચીસ રન સામે યજમાન ટીમ માત્ર અગિયાર રન બનાવી શકી હતી.
|
ઘરઆંગણે સૌથી વધુ T20 હાર |
|
|
વેસ્ટ ઇન્ડીઝ |
૧૦૮ મૅચમાંથી ૪૮ હાર |
|
ઝિમ્બાબ્વે |
૭૦ મૅચમાંથી ૪૭ હાર |
|
રવાન્ડા |
૫૯ મૅચમાંથી ૪૧ હાર |
|
સાઉથ આફ્રિકા |
૮૪ મૅચમાંથી ૪૧ હાર |
|
શ્રીલંકા |
૬૮ મૅચમાંથી ૪૦ હાર |
T20માં રિટાયર્ડ-આઉટ થનાર પહેલો ફુલ મેમ્બર ટીમનો બૅટર બન્યો ચેઝ
ગઈ કાલે પાકિસ્તાન સામેની ત્રીજી T20 મૅચમાં કૅરિબિયન સ્પિનર રોસ્ટન ચેઝ (૩૧ રનમાં એક વિકેટ)એ શાનદાર બોલિંગ કરી હતી, પરતું બૅટિંગ સમયે તે ૧૨ બૉલમાં ૧૫ રન જ કરી શક્યો હતો. તે અન્ય બૅટર્સને રમવાની તક આપવા માટે ૧૭મી ઓવરમાં ૧૪૯ રનના સ્કોર પર મેદાન છોડીને રિટાયર્ડ-આઉટ જાહેર થયો હતો. મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં બૅટર જાતે મેદાનમાંથી બહાર થઈ આ રીતે આઉટ થયો એ ૧૨મો કિસ્સો છે, પણ બે ફુલ મેમ્બર ટીમ વચ્ચેની મૅચમાં આ પહેલી ઘટના છે અને રોસ્ટન ચેઝ આવું કરનાર પહેલો ફુલ મેમ્બર ટીમનો બૅટર બન્યો છે.
ફખર ઝમાન આઉટ થતાં વેસ્ટ ઇન્ડીઝ સાથે ૮થી ૧૨ આૅગસ્ટ દરમ્યાન ત્રણ મૅચની વન-ડે સિરીઝ પહેલાં પાકિસ્તાનને લાગ્યો મોટો ફટકો
પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૮થી ૧૨ ઑગસ્ટ દરમ્યાન ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે, પણ આ સિરીઝ પહેલાં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. તેમના ટૉપ-ઑર્ડર બૅટર ફખર ઝમાનને હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ છે જેને કારણે તે વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ વર્ષની શરૂઆતમાં ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ દરમ્યાન પણ ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થયેલા ફખર ઝમાને T20 સિરીઝની પહેલી બે મૅચમાં ૨૮ અને ૨૦ રન જ કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હજી સુધી પુષ્ટિ કરી નથી કે કોઈ રિપ્લેસમેન્ટ પ્લેયરને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં.


