યજમાન ટીમને પહેલી ઇનિંગ્સમાં ૧૪૩ રને આૅલઆઉટ કર્યા બાદ ઑસ્ટ્રેલિયાએ પણ ૯૯ રનમાં ૬ વિકેટ ગુમાવી
ઑસ્ટ્રેલિયાનાે સ્ટીવ સ્મિથ માત્ર પાંચ રન બનાવીને ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફના બૉલમાં બોલ્ડ થયો હતો.
વેસ્ટ ઇન્ડીઝ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝની ત્રીજી ટેસ્ટમાં પહેલા દિવસે ૧૧ વિકેટ બાદ બીજા દિવસે ૧૫ વિકેટ પડી હતી. પિન્ક બૉલ ટેસ્ટના બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝ પહેલી ઇનિંગ્સમાં ૫૨.૧ ઓવરમાં ૧૪૩ રને ઑલઆઉટ થયું હતું. પહેલી ઇનિંગ્સમાં ૨૨૫ રન ફટકારનાર ઑસ્ટ્રેલિયાએ બીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૯૯ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ઑસ્ટ્રેલિયા પાસે ૧૮૧ રનની લીડ બચી હતી.
ઑસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર્સ સ્કૉટ બોલૅન્ડ (૩૪ રનમાં ૩ વિકેટ), પૅટ કમિન્સ (૨૪ રનમાં બે વિકેટ) અને જોશ હેઝલવુડે (૩૨ રનમાં બે વિકેટ) શાનદાર બોલિંગ કરીને યજમાન ટીમના માત્ર બે બૅટર્સને ૨૦ પ્લસ રન કરવા દીધા હતા. ટૉપ ઑર્ડર બૅટર કેમરન ગ્રીન (૬૫ બૉલમાં ૪૨ રન) અને કૅપ્ટન પૅટ કમિન્સ (પચીસ બૉલમાં પાંચ રન) બીજા દિવસના અંતે નોટઆઉટ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સ શમર જોસેફ (૨૬ રનમાં બે વિકેટ) અને અલ્ઝારી જોસેફ (૧૯ રનમાં ૩ વિકેટ)એ દિવસના અંતે મહેમાન ટીમ પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. ત્રણ મૅચની સિરીઝને કાંગારૂ ટીમે પહેલાં જ ૨-૦થી જીતી લીધી છે.


