વિકેટકીપર-બૅટર રિષભ પંત પછી ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ઇન્જરીને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને પ્રથમ વન-ડે મૅચ દરમ્યાન શરીરના ડાબા ભાગમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો.
વૉશિંગ્ટન સુંદર વન-ડે સિરીઝમાંથી બહાર, આયુષ બદોનીની પહેલી વખત ટીમમાં એન્ટ્રી
વિકેટકીપર-બૅટર રિષભ પંત પછી ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર ઇન્જરીને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને પ્રથમ વન-ડે મૅચ દરમ્યાન શરીરના ડાબા ભાગમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તેનું વધુ સ્કૅન કરવામાં આવશે અને ત્યાર બાદ મેડિકલ ટીમ નિષ્ણાતોનો અભિપ્રાય લેશે.
વૉશિંગ્ટન સુંદરે પહેલી મૅચમાં સ્પિનર તરીકે પાંચ ઓવરમાં વિકેટ લીધા વગર ૨૭ રન આપ્યા હતા અને બૅટિંગ સમયે ૭ બૉલમાં ૭ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. વૉશિંગ્ટન સુંદરના સ્થાને યંગ બૅટર આયુષ બદોનીને ભારતીય ટીમમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. દિલ્હીનો ૨૬ વર્ષનો જમણા હાથનો આ બૅટર સ્પિન બોલિંગ પણ કરી શકે છે. વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીની ટીમને ક્વૉર્ટર ફાઇનલ મૅચ પહેલાં છોડીને તે નૅશનલ ડ્યુટી માટે રાજકોટમાં ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.
ADVERTISEMENT
આયુષ બદોનીએ લિસ્ટ-A ક્રિકેટમાં ૨૭ મૅચમાં ૬૯૩ રન કરવાની સાથે ૧૮ વિકેટ લીધી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૧ મૅચમાં ૧૬૮૧ રન સાથે બાવીસ વિકેટ અને ૯૬ T20 મૅચમાં ૧૭૮૮ રન સાથે ૧૭ વિકેટ તેણે ઝડપી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની છેલ્લી ૪ સીઝનમાં તેણે લખનઉ સુપર જાયન્ટ્સ માટે ૫૬ મૅચમાં ૯૬૩ રન કરીને ૪ વિકેટ લીધી છે.


