આવતા વર્ષે ઑસ્ટ્રેલિયાની ટીમનો ઓપનર પાકિસ્તાન સામે સિડનીના મેદાનમાં રમશે છેલ્લી મૅચ
ફાઇનલ પહેલાં વૉર્ન રે ટેસ્ટમાંથી નિવૃત્તિની કરી દીધી ઘોષણા
ઑસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વૉર્નરે નિવૃત્તિની યોજનાની ઘોષણા કરી છે. આ વાત આઇસીસીએ પોતાની વેબસાઇટ પર શૅર કરી છે. વૉર્નર આવતા વર્ષે પાકિસ્તાન સામે સિડનીના ક્રિકેટ મેદાનમાં પોતાની કરીઅરની છેલ્લી ટેસ્ટ મૅચ રમશે. નવા વર્ષની શરૂઆતમાં જ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ-સિરીઝ રમાવાની છે.
હાલ તો વૉર્નર ભારત સામે થનારી ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચની તૈયારી કરી રહ્યો છે. તે ઍશિઝ સિરીઝમાં પણ રમશે. આ સિરીઝ ૧૬ જૂનથી શરૂ થવાની છે. વૉર્નરે કહ્યું હતું કે તમારે રન બનાવવા જરૂરી છે. મેં બહુ પહેલાં જ કહ્યું હતું કે ૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ કદાચ મારો છેલ્લો હશે. હું વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને ઍશિઝ સિરીઝ બાદ પાકિસ્તાન સામે થનારી સિરીઝમાં છેલ્લી વખત રમીશ.
ADVERTISEMENT
વૉર્નરે ઑસ્ટ્રેલિયાની ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૧૦૨ ટેસ્ટમાં ૮૧૫૮ રન ફટકાર્યા હતા, જેમાં ૩ બેવડી સદી, ૨૫ સદી અને ૩૪ અર્ધ સદીનો સમાવેશ થાય છે. તેણે ટેસ્ટમાં સૌથી વધુ ૩૩૫ રન બનાવ્યા હતા. તે ભારત, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે.
ક્રિકેટ બોર્ડથી નારાજ
ફાઇનલ પહેલાં ઑસ્ટ્રેલિયા ક્રિકેટમાં ભારે બબાલ છે. વૉર્નરે ક્રિકેટ બોર્ડ સામે ભડાસ કાઢી છે. સિડની હેરાલ્ડ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે ‘બોર્ડે જે રીતે મારી કૅપ્ટન્સી પર મૂકવામાં આવેલા પ્રતિબંધ મામલે કાર્યવાહી કરી છે એ અપમાનજનક છે. બોર્ડે આ મામલાનો ઉકેલ લાવવાને બદલે એને લંબાવ્યો છે, જે નિરાશાજનક છે, આવું થવું જોઈતું નહોતું.’
૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં બૉલ સાથે ચેડાં કરવાની ઘટના બાદ વૉર્નર પર આજીવન પ્રતિબંધ મુકાયો હતો. જોકે ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ આકરા નિર્ણયને બદલ્યા હતા. પોતાના ઇન્ટરવ્યુમાં વૉર્નરે કહ્યું હતું કે ‘આ પ્રકરણને કારણે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નહોતો. ટેસ્ટ મૅચ દરમ્યાન મને ફોન આવતા. રમત પર ધ્યાન આપવાની જગ્યાએ મારે વકીલો સાથે વાત કરવી પડતી હતી.’