Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ૨-૧થી હૅટ-ટ્રિક વન-ડે સિરીઝ જીતી

ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ૨-૧થી હૅટ-ટ્રિક વન-ડે સિરીઝ જીતી

Published : 07 December, 2025 11:07 AM | Modified : 07 December, 2025 11:14 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાના ૨૭૧ રનના ટાર્ગેટને ભારતે યશસ્વી જાયસવાલની પહેલી વન-ડે સદી અને રોહિત-વિરાટની ફિફ્ટીના આધારે ૬૧ બૉલ પહેલાં ચેઝ કર્યો : બે સદી અને એક ફિફ્ટી ફટકારનાર વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો

ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયા.

ટ્રોફી સાથે ટીમ ઇન્ડિયા.


સાઉથ આફ્રિકા સામે ૦-૨થી ટેસ્ટ-સિરીઝ હારનાર ટીમ ઇન્ડિયાએ ૨-૧થી વન-ડે સિરીઝ જીતીને ઘરઆંગણાનું ગૌરવ પાછું મેળવ્યું છે. વિશાખાપટનમમાં રમાયેલી નિર્ણાયક વન-ડેમાં ભારતે ૬૧ બૉલ પહેલાં ૯ વિકેટે જીત નોંધાવી હતી. મહેમાન ટીમ ૪૭.૫ ઓવરમાં ક્વિન્ટન ડી કૉકની સદીના આધારે ૨૭૦ રન કરીને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ભારતે યશસ્વી જાયસવાલની સદી અને રોહિત-વિરાટની ફિફ્ટીના આધારે ૩૯.૫ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૨૭૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે સતત ત્રીજી વન-ડે સિરીઝ ૨-૧થી જીતી છે. આ ત્રણેય સિરીઝ ૩ મૅચની જ હતી. છેલ્લે જૂન ૨૦૨૨માં ભારત સાઉથ આફ્રિકા સામે આ ફૉર્મેટની સિરીઝ હાર્યું હતું. સાઉથ આફ્રિકા ૨૦૧૫માં ભારતની ધરતી પર એકમાત્ર વન-ડે સિરીઝ જીત્યું હતું.
વિશાખાપટનમમાં પહેલી વખત વન-ડે મૅચ રમી રહેલા સાઉથ આફ્રિકાએ અર્શદીપ સિંહની પહેલી જ ઓવરમાં રાયન રિકલ્ટન (ઝીરો) રૂપે પહેલી વિકેટ ગુમાવી હતી. જોકે અન્ય ઓપનર ક્વિન્ટન ડી કૉકે ૮૯ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સરની મદદથી ૧૦૬ રન કરીને ટીમની ઇનિંગ્સને સ્થિરતા આપી હતી. તેના સિવાય કૅપ્ટન ટેમ્બા બવુમા જ ૪૦+ રનની ઇનિંગ્સ રમી શક્યો હતો. તેણે ૬૭ બૉલમાં પાંચ ફોરની મદદથી ૪૮ રન કર્યા હતા. બીજી મૅચનો શતકવીર એઇડન માર્કરમ પાંચમા ક્રમે રમીને ૩ બૉલમાં એક રન જ કરી શક્યો હતો. 
ભારતીય બોલિંગ-યુનિટમાંથી સ્પિનર કુલદીપ યાદવે ૧૦ ઓવરના સ્પેલમાં ૪૧ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૬૬ રન આપીને ૪ સફળતા મેળવી હતી. રવીન્દ્ર જાડેજા અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ લીધી હતી. મહેમાન ટીમે છેલ્લી પાંચ વિકેટ માત્ર ૩૬ રનની અંદર ગુમાવી હતી.
ભારતીય ઓપનર્સે ૨૬ ઓવરમાં ૧૫૫ રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. રોહિત શર્માએ ૧૦૨.૭૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૭૩ બૉલમાં ૭૫ રન કર્યા હતા. ૭ ફોર અને ૩ સિક્સર ફટકારનાર આ અનુભવી બૅટર ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજની સામે કૅચઆઉટ થયો હતો. યંગ ઓપનર યશસ્વી જાયસવાલે પોતાની ચોથી જ વન-ડેમાં આ ફૉર્મેટની પહેલી સદી નોંધાવી હતી. તેણે ૯૫.૮૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૨ ફોર અને બે સિક્સરના આધારે ૧૨૧ બૉલમાં ૧૧૬ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
વિરાટ કોહલીએ ૧૪૪.૪૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૫ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સરના આધારે ૪૫ બૉલમાં ૬૫ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. તેણે બૅક-ટુ-બૅક ફોર ફટકારીને ૪૦મી ઓવરમાં રનચેઝ પૂરી કરી હતી. બૅક-ટુ-બૅક સદી અને એક ફિફ્ટીના આધારે ૩૦૨ રન કરનાર વિરાટ કોહલી પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.

12
આટલાં વર્ષ બાદ ભારતીય ઓપનર્સ સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં ૧૦૦+ રનની ભાગીદારી કરી શક્યા.



10+

દસ કરતાં વધુ સિક્સર એક વન-ડે સિરીઝ કે ટુર્નામેન્ટમાં પહેલી વખત ફટકારી વિરાટ કોહલીએ (૧૨). 

20000
આટલા મેન્સ ઇન્ટરનૅશનલ રન કરનાર ચોથો ભારતીય બન્યો રોહિત શર્મા.

મસ્તીના મૂડમાં જાડેજા અને કોહલી.


વિશાખાપટનમમાં વન-ડે મૅચ પહેલાં સન્માનિત થયા રોહિત શર્મા, વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર

આંધ્ર પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી સના સતીશ બાબુએ ભારત-સાઉથ આફ્રિકાની વન-ડે મૅચ પહેલાં ૩ ભારતીય પ્લેયર્સને સન્માનિત કર્યા હતા. રોહિત શર્મા, વિરાટ કોહલી અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સ્મૃતિચિહ‌્નો અર્પણ  કરવામાં આવ્યાં હતાં.

ભારતે ૭૫૨ દિવસ પછી વન-ડે ક્રિકેટમાં ટૉસ જીત્યો

ભારતના સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન કે. એલ. રાહુલે વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકા સામે ત્રીજી વન-ડેમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ૭૫૨ દિવસ પછી વન-ડે ક્રિકેટમાં ટૉસ જીત્યો છે. ભારતે છેલ્લે વાનખેડે સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની સેમી ફાઇનલ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડ સામે આ ફૉર્મેટનો ટૉસ જીત્યો હતો. સતત ૨૦ ટૉસ હાર્યા બાદ એકવીસમી મૅચમાં ભારતને ટૉસ જીતતા જોઈને સ્ટેડિયમમાં હાજર ફૅન્સે ઉજવણી પણ કરી હતી. 

નિર્ણાયક વન-ડેમાં યજમાને એક અને મહેમાને બે ફેરફાર કર્યા

ગઈ કાલની વન-ડે મૅચમાં ભારતે માત્ર એક ફેરફારરૂપે સ્પિનર વૉશિંગ્ટન સુંદરના સ્થાને યંગ બૅટર તિલક વર્માને રમાડ્યો હતો. બીજી તરફ સાઉથ આફ્રિકાએ નાન્દ્રે બર્ગર અને ટોની ડી જોર્ઝીના સ્થાને ઓપનર રાયન રિકલ્ટન અને ફાસ્ટ બોલર ઓટનિલ બાર્ટમૅનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 11:14 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK