ક્વૉર્ટર ફાઇનલમાં પંજાબે મધ્ય પ્રદેશને ૧૮૩ રને અને વિદર્ભે દિલ્હીને ૭૬ રને હરાવ્યું...
વિજય હઝારે ટ્રોફીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ પંજાબ અને વિદર્ભની ટીમ
બૅન્ગલોરમાં ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સમાં વિજય હઝારે ટ્રોફીની અંતિમ બે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાઈ હતી. વર્તમાન સીઝનની સેમી-ફાઇનલમાં કર્ણાટક અને સૌરાષ્ટ્ર બાદ પંજાબ અને વિદર્ભે પણ એન્ટ્રી મારી છે. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં પંજાબે મધ્ય પ્રદેશને ૧૮૩ રને અને વિદર્ભે દિલ્હીને ૭૬ રને હરાવ્યું હતું.
હરનૂર સિંહના ૫૧ રન, કૅપ્ટન પ્રભસિમરન સિંહના ૮૮, અનમોલપ્રીત સિંહના ૭૦ અને નેહલ વઢેરાના ૫૬ રનની મદદથી પંજાબે ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૪૫ રન ખડકી દીધા હતા. વેન્કટેશ ઐયરની મધ્ય પ્રદેશની ટીમ ૩૧.૨માં ૧૬૨ રનના સ્કોર પર ખખડી ગઈ હતી. ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન રજત પાટીદારે સૌથી વધુ ૩૮ રન કર્યા હતા જ્યારે કૅપ્ટન વેન્કટેશ ઐયર બે બૉલ રમીને LBW આઉટ થયો હતો. પંજાબના ફાસ્ટ બોલર સનવીર સિંહે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.
અથર્વ તાયડેના ૬૨ રન અને યશ રાઠોડના ૮૬ રનની મદદથી વિદર્ભે ૯ વિકેટના નુકસાન સાથે ૩૦૦ રન કર્યા હતા. દિલ્હી માટે ઇશાન્ત શર્મા, નવદીપ સિંહ સૈની, પ્રિન્સ યાદવ અને નીતીશ રાણા સહિતના સ્ટાર પ્લેયર્સે ૨-૨ વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ રન-ચેઝ દરમ્યાન ૪૫.૧ ઓવરમાં ૨૨૪ રનમાં સમેટાઈ ગઈ હતી. વિદર્ભના ફાસ્ટ બોલર નચિકેત ભુટે સૌથી વધુ ૪ સફળતા મેળવી હતી.
વિજય હઝારે ટ્રોફીની
સેમી-ફાઇનલ મૅચનું શેડ્યુલ
૧૫ જાન્યુઆરી : કર્ણાટક VS વિદર્ભ
૧૬ જાન્યુઆરી : પંજાબ VS સૌરાષ્ટ્ર
કૅપ્ટન તરીકે વાપસી સાથે ઇશાન્ત શર્માએ ૨૦૦ વિકેટ પૂરી કરી
ઇશાન્ત શર્માએ ૭ વર્ષ પછી મેદાન પર કૅપ્ટનની ભૂમિકા ભજવી હતી. રિષભ પંત, આયુષ બદોની જેવા પ્લેયર્સની ગેરહાજરીમાં તેણે વિદર્ભ સામે વિજય હઝારે ટ્રોફી મૅચમાં દિલ્હીનું નેતૃત્વ કર્યું. ૩૭ વર્ષના ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માએ લિસ્ટ-A ક્રિકેટમાં ૨૦૦ વિકેટનું સીમાચિહ્ન હાંસલ કર્યું. ઇશાન્તે અત્યાર સુધી ૧૪૨ લિસ્ટ-A મૅચમાં ૨૦૧ વિકેટ લીધી છે.
વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં હાઇએસ્ટ રન કરવાની અણીએ છે દેવદત્ત પડિક્કલ
વર્તમાન વિજય હઝારે ટ્રોફીની સીઝનમાં કર્ણાટકનો દેવદત્ત પડિક્કલ ૪ સદી અને ૨ ફિફ્ટીની મદદથી ૭૨૧ રન કરીને હાઇએસ્ટ રન-સ્કોરર છે. ૨૦૨૦-’૨૧ની સીઝનમાં તેણે ૭૩૭ રન કર્યા હોવાથી તે વિજય હઝારે ટ્રોફીની એકથી વધુ સીઝનમાં ૭૦૦+ રન કરનાર પ્રથમ બૅટર બની ગયો છે. તેના સિવાય પાંચ બૅટર એક-એક સીઝનમાં ૭૦૦+ રન કરી ચૂક્યા છે.
તામિલનાડુના વર્તમાન કૅપ્ટન નારાયણ જગદીસને ૨૦૨૨-’૨૩ની સીઝનમાં ૮૩૦ રન કર્યા હતા જે અત્યાર સુધીના હાઇએસ્ટ છે. આગામી સેમી-ફાઇનલ અને ફાઇનલ મૅચમાં વધુ ૧૧૦ રન કરીને દેવદત્ત પડિક્કલ એક સીઝનમાં હાઇએસ્ટ રન કરનાર બૅટર બની શકે છે. પચીસ વર્ષનો ડાબા હાથના બૅટર દેવદત્ત પડિક્કલે લિસ્ટ-A ક્રિકેટની ૪૦ મૅચમાં રેકૉર્ડ ૮૩.૦૩ની ઍવરેજથી ૨૭૪૦ રન કર્યા છે.


