રણજી ટ્રોફીથી દૂર રહેવાને કારણે બીસીસીઆઇ દ્વારા બન્નેની સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બાદબાકી કરવામાં આવી છે.
ઇશાન કિશન , શ્રેયસ ઐયર
યંગ ક્રિકેટર્સ ઈશાન કિશન અને શ્રેયસ ઐયર હાલમાં કરીઅરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. રણજી ટ્રોફીથી દૂર રહેવાને કારણે બીસીસીઆઇ દ્વારા બન્નેની સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બાદબાકી કરવામાં આવી છે. ઈશાન કિશન આ પહેલાં બીસીસીઆઇના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં ગ્રેડ ‘સી’ અને શ્રેયસ ઐયર ગ્રેડ ‘બી’માં સામેલ હતો. બીસીસીઆઇની સૂચના ન માનવાનો અફસોસ મનાવી રહેલા બન્ને ક્રિકેટર્સને વધુ એક ઝટકો લાગી શકે છે. એક અહેવાલ અનુસાર જૂનમાં યોજાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં ઈશાન કિશન અને શ્રેયસ ઐયર રમતા જોવા નહીં મળે. સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર હોવાથી ભારતીય ટીમમાં બન્નેને સામેલ કરવા વિશે વિચાર થશે નહીં. બન્ને ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને પછી જ ફરી ટીમમાં સ્થાન મેળવી શકશે. બન્ને ખેલાડીઓએ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં સારી ભૂમિકા ભજવી હતી, પણ ડોમેસ્ટિક ક્રિકેટ રમવાના બીસીસીઆઇના આદેશની અવગણના કરતાં બન્નેને સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.
મેરા પહલા વોટ દેશ કે લિએ
લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં યુવા વોટર્સને આકર્ષવા માટે વડા પ્રધાન મોદીએ ‘મેરા પહલા વોટ દેશ કે લિએ’ અભિયાનની શરૂઆત કરી છે. ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને અશ્વિને સોશ્યલ મીડિયા પર વડા પ્રધાન મોદીના આ અભિયાનને સપોર્ટ કર્યો હતો. તેમણે યુવા વોટર્સને વોટિંગ માટે આગળ આવવા અપીલ પણ કરી હતી. ભૂતપૂર્વ બીસીસીઆઇ પ્રેસિડન્ટ અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે આ અભિયાનની ઍન્થમ લૉન્ચ કરી હતી.

