અશ્વિન LBW આઉટ આપવાના મહિલા અમ્પાયરના નિર્ણય પર ભડક્યો હતો
મૅચ દરમ્યાન મેદાન પર મહિલા અમ્પાયર સાથે રકઝક કરતો રવિચન્દ્રન અશ્વિન
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિનને ક્રિકેટના મેદાન પર ગુસ્સો બતાવવો ભારે પડ્યો છે. રવિવારે આઇડ્રીમ તિરુપુર તમિઝાન્સ સામે તામિલનાડુ પ્રીમિયર લીગની મૅચમાં ડિંડીગુલ ડ્રૅગન્સનો કૅપ્ટન અશ્વિન LBW આઉટ આપવાના મહિલા અમ્પાયરના નિર્ણય પર ભડક્યો હતો. રિવ્યુ લેવાનો વિકલ્પ પણ બચ્યો ન હોવાથી પૅવિલિયન તરફ જતાં તેણે ગુસ્સામાં પેડ પર બૅટ ફટકારવા જેવી હરકત પણ કરી હતી.
૩૮ વર્ષના રવિચન્દ્રન અશ્વિનને અમ્પાયરો સામે અસંમતિ દર્શાવવા બદલ તેની મૅચ-ફીના ૧૦ ટકા અને ક્રિકેટ-સાધનોના દુરુપયોગ માટે ૨૦ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મૅચમાં તેની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૬.૨ ઓવરમાં ૯૩ રન પર ઑલઆઉટ થઈ હતી અને વિરોધી ટીમે ૯૪ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરીને નવ વિકેટે મૅચ જીતી હતી.

