મહારાષ્ટ્રની આભા ખટુઆએ વિમેન્સ શૉટ પુટમાં બનાવ્યો રાષ્ટ્રીય રેકૉર્ડ , કે.એલ. રાહુલ અને સંજીવ ગોયન્કા એક અઠવાડિયા બાદ ભેટી પડ્યા
વિરાટ કોહલી
શ્રી સાલાસર બાલાજી ધામ મંદિરના પૂજારીઓએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે મુલાકાત કરીને શ્રી બાલાજીની ફોટોફ્રેમ ભેટ આપી હતી. IPL 2024ના ઑરેન્જ કૅપહોલ્ડર કિંગ કોહલીને T20 વર્લ્ડ કપ પહેલાં મળેલી આ સ્પેશ્યલ ગિફ્ટને જોઈ ફૅન્સ ખુશ થયા હતા.
લખનવી ક્રિકેટરોએ કર્યા તાજમહલના દીદાર
૧૬મી સદીમાં બનેલો આગરાનો તાજમહલ જોવા માટે વર્ષોથી સામાન્ય લોકોથી લઈને અનેક વિદેશી સેલિબ્રિટીઝે ભારતનો પ્રવાસ કર્યો છે. હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૭મી સીઝન રમી રહેલો વેસ્ટ ઇન્ડીઝનો નિકોલસ પૂરન અને અફઘાનિસ્તાનનો નવીન-ઉલ-હક પણ તાજમહલના દીદાર કરવા ગયા હતા. પ્રેમના પ્રતીક તાજમહલને નજીકથી જોવા દિલ્હી કૅપિટલ્સની મૅચ પહેલાં નિકોલસ પૂરન પોતાના પરિવારને સાથે લઈને ગયો હતો.
કે.એલ. રાહુલ અને સંજીવ ગોયન્કા એક અઠવાડિયા બાદ ભેટી પડ્યા
૮ મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૦ વિકેટથી મળેલી કારમી હાર બાદ લખનઉ સુપર જાયન્ટ્સના ઓનર સંજીવ ગોયન્કાએ કૅપ્ટન કે.એલ. રાહુલને જાહેરમાં ખખડાવ્યો હતો. આ વિવાદના એક અઠવાડિયા બાદ દિલ્હી કૅપિટલ્સની મૅચ પહેલાં બન્ને એકબીજાને ભેટી પડ્યા હતાં. મૅચ પહેલાં બિઝનેસમૅન સંજીવ ગોયન્કાએ રાહુલને પોતાના દિલ્હીસ્થિત ઘરે ડિનર-પાર્ટી માટે બોલાવ્યો હતો. બન્ને એકબીજાને ભેટતા હોય એવો ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેને કારણે વિવાદ શમી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રની આભા ખટુઆએ વિમેન્સ શૉટ પુટમાં બનાવ્યો રાષ્ટ્રીય રેકૉર્ડ
નૅશનલ ફેડરેશન કપ ઍથ્લેટિક્સ સ્પર્ધાના બીજા દિવસે વિમેન્સ શૉટ પુટ (ગોળાફેંક)માં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલી આભા ખટુઆએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૮ વર્ષની આભા ખટુઆએ ૧૮.૪૧ મીટરના અંતર સાથે મહિલા શૉટ પુટમાં નવો રાષ્ટ્રીય રેકૉર્ડ બનાવ્યો હતો. આભા આ સ્પર્ધા પહેલાં મનપ્રીત કૌર સાથે ૧૮.૦૬ મીટરની સંયુક્ત રેકૉર્ડધારક હતી. ખેડૂત પરિવારમાં જન્મેલી આભાએ ૨૦૧૮થી શૉટ પુટની રમતમાં હાથ અજમાવવાની શરૂઆત કરી હતી. ૨૦૨૩માં થાઇલૅન્ડમાં એશિયન ચૅમ્પિયનશિપમાં મનપ્રીત કૌરના રાષ્ટ્રીય રેકૉર્ડની બરાબરી કરીને તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારત ઉપરાંત આ ત્રણ ટીમ બનશે T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલિસ્ટ
૩ ઑક્ટોબરથી બંગલાદેશમાં શરૂ થનારા T20 વિમેન્સ વર્લ્ડ કપ પહેલાં ભારતીય મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરે મહત્ત્વની ભવિષ્યવાણી કરી છે. ૩૫ વર્ષની હરમનપ્રીત કૌરે કહ્યું કે ‘ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા આ તમામ ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે અને આશા છે કે ચારેય ટીમ સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય કરી શકે છે.’ હાલમાં જ બંગલાદેશ સામેની T20 સિરીઝમાં ૫-૦થી ક્લીન સ્વીપ કરનાર હરમનપ્રીત કૌરનું માનવું છે કે ટીમ બંગલાદેશની પરિસ્થિતિથી પરિચિત થઈ ગઈ છે જેનો ફાયદો તેમને T20 વિમેન્સ વર્લ્ડ કપમાં મળશે. ૬ વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે રમવા આતુર હરમનપ્રીત કૌરે કહ્યું કે ‘જો અમે તેમની સામે સારું પ્રદર્શન કરીશું તો એનાથી અમને ઘણો આત્મવિશ્વાસ મળશે અને હું ખરેખર તેમની સામે રમવા માટે ઉત્સુક છું.’
૧ ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ T20 રમવા ભારત આવશે સાઉથ આફ્રિકાની વિમેન્સ ટીમ
સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ ૧૬ જૂનથી ૯ જુલાઈ સુધી ભારતનો પ્રવાસ કરશે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે એક ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ T20 મૅચની સિરીઝના શેડ્યુલની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી જેમાં ૩ વન-ડે બૅન્ગલોરમાં અને ૧ ટેસ્ટ તથા ૩ T20 ચેન્નઈમાં રમાશે. શરૂઆત ૧૩ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ-મૅચથી થશે. ૧૬થી ૨૩ જૂન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે, જ્યારે ૨૮ જૂનથી ૧ જુલાઈ વચ્ચે એકમાત્ર ટેસ્ટમૅચ ૧૦ વર્ષ બાદ રમાઈ રહી છે. બન્ને ટીમ છેલ્લે નવેમ્બર ૨૦૧૪માં ટેસ્ટ રમી હતી. પાંચમી જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ત્રણ મૅચની T20 સિરીઝ રમાશે.

