નંબર વન ભારતીય ટીમને ક્યારેય હરાવી નથી શકી ૧૧મો રૅન્ક ધરાવતી આયરલૅન્ડની ટીમ
ગઈ કાલે પ્રૅક્ટિસ સેશન દરમ્યાન ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે કૅપ્ટન રોહિત શર્મા
T20 વર્લ્ડ કપ 2024ની આઠમી મૅચ આજે ગ્રુપ Aની ટીમ ભારત અને આયરલૅન્ડ વચ્ચે રમાશે. ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યે ટૉસ થશે અને ૮ વાગ્યે કૅપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ‘મિશન T20 વર્લ્ડ કપ’ના શ્રીગણેશ કરશે. ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ટાર્ગેટ આ વર્ષે દેશને બીજો T20 વર્લ્ડ કપ જિતાડવાનો રહેશે.
૧૧મો T20 રૅન્ક ધરાવતી આયરલૅન્ડની ટીમ નંબર વન ભારતીય ટીમ સામે ૮ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી છે જેમાંથી ૭ મૅચમાં ભારતની જીત થઈ છે. ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૯માં ભારત અને આયરલૅન્ડ વચ્ચે પ્રથમ વર્લ્ડ કપ મૅચ રમાઈ હતી જેમાં ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૮ વિકેટે જીત મેળવી હતી.
ADVERTISEMENT
આજે રોહિત શર્મા સાથે વિરાટ કોહલી ઓપનિંગ કરશે કે યશસ્વી જાયસવાલ એના પર સૌની નજર રહેશે. રિષભ પંત અને સંજુ સૅમસનમાંથી કયા વિકેટકીપર-બૅટરને તક મળશે અને કૅપ્ટન રોહિત શર્મા કેટલા સ્પિનર્સને મેદાન પર ઉતારશે એ સવાલના જવાબ જાણવા ભારતીય ક્રિકેટ ફૅન્સ આતુર છે. બીજી તરફ આયરલૅન્ડની ટીમ પાસે સારા T20 ક્રિકેટરો છે, જેણે વર્લ્ડ કપ પહેલાં આર્મી-ટ્રેઇનિંગ લઈને આવેલી પાકિસ્તાનની ટીમને હરાવી હતી.

