° °

આજનું ઇ-પેપર
Friday, 24 March, 2023


વન-ડે વર્લ્ડ કપના વર્ષમાં ટી૨૦નો ઇજારો, ટેસ્ટ ફાઇનલની બોલબાલા

19 March, 2023 02:41 PM IST | Mumbai
Ajay Motivala | ajaymotivala@mid-day.com

હેડ-કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં વર્લ્ડ કપ માટે વન-ડેની સ્ટ્રૉન્ગ ટીમ તૈયાર કરવાનું કામ ઘણાં અઠવાડિયાં પહેલાં જ શરૂ થઈ ગયું, પણ ત્યાર પછી ટીમ ઇન્ડિયા આંગળીને વેઢે ગણાય એટલી જ વન-ડે રમી છે

વન-ડે વર્લ્ડ કપના વર્ષમાં ટી૨૦નો ઇજારો, ટેસ્ટ ફાઇનલની બોલબાલા કરન્ટ ફાઇલ્સ

વન-ડે વર્લ્ડ કપના વર્ષમાં ટી૨૦નો ઇજારો, ટેસ્ટ ફાઇનલની બોલબાલા

૨૦૧૧ પછી ૧૨ વર્ષે ફરી ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ યોજાવાનો છે, પરંતુ એની તડામાર તૈયારીઓને બદલે હમણાં તો ટી૨૦ ફૉર્મેટનું જ વર્ચસ દેખાઈ રહ્યું છે અને સર્વોત્તમ ટેસ્ટ મુકાબલાની એટલે કે જૂનમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલની જ વાતો સંભળાઈ રહી છે.

હેડ-કોચ રાહુલ દ્રવિડની આગેવાનીમાં વર્લ્ડ કપ માટે વન-ડેની સ્ટ્રૉન્ગ ટીમ તૈયાર કરવાનું કામ ઘણાં અઠવાડિયાં પહેલાં જ શરૂ થઈ ગયું, પણ ત્યાર પછી ટીમ ઇન્ડિયા આંગળીને વેઢે ગણાય એટલી જ વન-ડે રમી છે.

શ્રીલંકા સામે ત્રણેય ઓડીઆઇ જીત્યા પછી ન્યુ ઝીલૅન્ડ સામે પણ ત્રણેત્રણ વન-ડે જીતી લીધી અને હવે ઑસ્ટ્રેલિયા સામે ૧-૦થી આગળ થયા પછી આજે સિરીઝની બીજી મૅચ છે. આ સાત વન-ડેમાં ભારતનો ૭-૦નો રેકૉર્ડ ઘણો સારો છે, પરંતુ સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને રિષભ પંતની એમાં ગેરહાજરી વિશ્વ કપ માટેની ઓડીઆઇ ટીમ બનાવવામાં અવરોધ બની છે.

૩૧ માર્ચે શરૂ થતી આઇપીએલથી શરૂ કરીએ તો આગામી અઢી-ત્રણ મહિના સુધી વન-ડેનું નામોનિશાન નહીં દેખાય, કારણ કે બે મહિના સુધી ચાલનારા ટી૨૦ના વાર્ષિક ઉત્સવ આઇપીએલ પછી ગણતરીના જ દિવસોમાં લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ના ફિનાલેની તૈયારીઓ શરૂ કરી દેવી પડશે. ૨૦૨૧ની ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે હારી ગયા હોવાથી હવે સતત બીજી વાર ફાઇનલમાં આવવા મળ્યું એ મોકો એળે ન જાય એનું ભારતીય ટેસ્ટ ખેલાડીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે પાકી તૈયારી કરીને ઇંગ્લૅન્ડ પહોંચવું પડશે.

જોકે ૨૮ મેએ આઇપીએલની ફાઇનલ પૂરી થશે એ પછી ફક્ત નવ જ દિવસમાં ઇંગ્લૅન્ડમાં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ શરૂ થઈ જશે એટલે રોહિત શર્મા ઍન્ડ કંપનીને એની તૈયારી માટે નામપૂરતો સમય મળશે. ૨૦૨૧ની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડ સામે જે ફિયાસ્કો થયો હતો એનું પુનરાવર્તન ન થાય તો સારું. આઇપીએલના ટી૨૦ મોડમાંથી આપણા અમુક ખેલાડીઓએ સીધા ટેસ્ટના મોડમાં આવી જવું પડશે એટલે તેમના માટે કામ કઠિન તો બનશે જ. ત્યાર બાદ વર્લ્ડ કપની તૈયારી માટે કોણ જાણે કેટલી વન-ડે રમાશે? કારણ કે ઑગસ્ટમાં આપણે આયરલૅન્ડમાં સિરીઝ રમવાની છે, એ અત્યારથી જ નક્કી થઈ ગયું છે.

૨૦૧૯નો વર્લ્ડ કપ જીતવાનો ભારતને સારો મોકો હતો, પણ ત્યારે ચોથા નંબર પર કોણ બૅટિંગ કરશે એ છેક સુધી નક્કી નહોતું થયું અને એ જ ખામી ટીમને એ વિશ્વ કપમાં નડી હતી. હેડ-કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલીના ત્યારના શાસનમાં ચોથા નંબર માટે કોઈ બૅટર તૈયાર જ નહોતો કરવામાં આવ્યો. રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં ફિક્સ હતા અને વન ડાઉનમાં ખુદ કોહલી. એમએસ ધોની અને હાર્દિક પંડ્યાના રૂપમાં બે મૅચ ફિનિશર્સ મોજુદ હતા એટલે ફૉર્થ નંબરનો બૅટર કોણ એ પ્રત્યે ખાસ ધ્યાન જ નહોતું અપાયું.

આશા રાખીએ આ વખતે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડી શાસ્ત્રી-કોહલી જેવી ભૂલ નહીં કરે અને પર્ફેક્ટ બૅટિંગ લાઇનઅપ તથા બોલર્સની ફોજ બરાબર નક્કી કરી લેવામાં આવશે.
આઇપીએલના ટી૨૦ના માહોલમાં અને ટેસ્ટની ફાઇનલના પડકાર વચ્ચે વન-ડે વર્લ્ડ કપની સ્ક્વૉડ તૈયાર કરવાનું કામ ચૅલેન્જિંગ છે, સમય ઓછો છે. ખેલાડીઓની ફિટનેસનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે અને ઘરઆંગણે રમવાના હોવાથી આબરૂનો સવાલ છે. જોઈએ હવે આવનારા મહિનાઓમાં કેવા વળાંક જોવા મળે છે.

19 March, 2023 02:41 PM IST | Mumbai | Ajay Motivala

અન્ય લેખો

ક્રિકેટ

લિવિંગસ્ટન આઇપીએલમાં રમશે, બેરસ્ટૉને એનઓસી ન મળ્યું

પંજાબ કિંગ્સે એક ઑલરાઉન્ડરને ૧૧.૫૦ કરોડ રૂપિયામાં અને બીજાને ૬.૭૫ કરોડમાં ખરીદ્યો છે : સૅમ કરૅનને પણ પરવાનગી મળી ગઈ છે

24 March, 2023 02:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મને કોચ નહીં, પૉલી કહીને બોલાવજો : પોલાર્ડ

કૅરિબિયન સ્ટારનું મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પ્લેયરની કરીઅર બાદ હવે બૅટિંગ-કોચ તરીકે આગમન

24 March, 2023 02:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાકિસ્તાની સ્ટારને ઝેર આપીને મારવાનો પ્રયત્ન, અફરીદીએ પાણીની જેમ વહાવ્યો પૈસો

પૂર્વ કૅપ્ટન ચેરેટીના કામમાં વ્યસ્ત રહેવાની સાથે જ ક્રિકેટ પણ રમે છે. પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન ઈમરાન નઝીરે શાહિદની દરિયાદિલીનો કિસ્સો સંભળાવ્યો છે. 50થી 60 લાખ રૂપિયા તેણે કોઈપણ વસ્તુની ચિંતા કર્યા વગર તેની બીમારીમાં ખર્ચ કરી દીધા.

23 March, 2023 09:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK