UAEમાં ૯થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન રમાશે T20 એશિયા કપ 2025- પહલગામ હુમલા બાદ બન્ને દેશ વચ્ચે થયેલા સંઘર્ષ પછી પહેલી વાર યોજાનારી આ મૅચ બાદ સુપર-ફોર અને ફાઇનલમાં પણ આવી શકે છે સામસામે
એશિયા કપ ટ્રોફી
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચૅરમૅન મોહસિન નકવીએ ગઈ કાલે મેન્સ T20 એશિયા કપ 2025 વિશે મોટી અપડેટ આપી છે. તેમણે સોશ્યલ મીડિયા ઍક્સ પર જાહેરાત કરતાં લખ્યું હતું કે ‘મને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ACC મેન્સ એશિયા કપ 2025ની તારીખોની પુષ્ટિ કરતાં આનંદ થાય છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ૯થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે. અમે ક્રિકેટના શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ.’
T20 ફૉર્મેટના આ એશિયા કપ વિશેનો નિર્ણય ૨૪ જુલાઈએ બંગલાદેશની રાજધાની ઢાકામાં મળેલી ACCની બેઠકમાં લેવાયો હતો. ભારતીય ક્રિકેટ બોર્ડ આ એશિયા કપમાં યજમાન દેશની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
કઈ ટીમ કયા ગ્રુપમાં?
ગ્રુપ - A ઃ ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન
ગ્રુપ- B ઃ બંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ
૧૦ સપ્ટેમ્બરથી ભારતીય ટીમનું અભિયાન શરૂ
પહલગામ હુમલા બાદ બન્ને દેશ વચ્ચે થયેલા સંઘર્ષ પછી પહેલી વાર ૧૪ સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ-મૅચ રમાશે. જો બન્ને ટીમ ગ્રુપ-Aમાં ટૉપ-ટૂ ટીમ બનશે તો ૨૧ સપ્ટેમ્બરે સુપર-સિક્સ રાઉન્ડમાં ફરી તેમની ટક્કર થશે. ક્રિકેટજગત ૨૮ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચમાં પણ તેમને સામસામે જોવા માગે છે.
ભારતીય ટીમ પોતાના T20 એશિયા કપ 2025 અભિયાનની શરૂઆત ૧૦ સપ્ટેમ્બરે UAE સામે કરશે અને ૧૯ સપ્ટેમ્બરે ઓમાન સામે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચ રમશે. સુપર-ફોર રાઉન્ડ ૨૦થી ૨૬ સપ્ટેમ્બર સુધી રમાશે અને ટૉપ-ટૂ ટીમ વચ્ચે ૨૮ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. ૮ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટની મૅચના વેન્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ અહેવાલ અનુસાર ભારતની તમામ મૅચ દુબઈમાં રમાઈ શકે છે.


