૧૩ ઓવરમાં ૭૭/૬ના સ્કોર બાદ કૅપ્ટને ૮૪ રન ફટકારીને ભારતનો સ્કોર ૧૬૧ રન કર્યો, અમેરિકાને ૮ વિકેટે ૧૩૨ રને રોકી ભારતે ૨૯ રને દિલધડક જીત મેળવી. 9: સતત આટલી T20 વર્લ્ડ કપ મૅચ જીતનારી પહેલી ટીમ બની ભારત.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર સાથે ગઈ કાલે મૅચનો આનંદ લેતાં જોવા મળ્યાં હતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને તેમનાં પત્ની નીતા અંબાણી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ત્રીજી મૅચમાં ભારતે અમેરિકા સામે ૨૯ રને દિલધડક જીત મેળવીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિમાં કૅપ્ટન સુર્યકુમાર યાદવે ધમાકેદાર ઇનિંગ્સ રમીને ૨૦ ઓવરમાં ભારતનો સ્કોર ૧૬૧/૯ પર પહોંચાડ્યો હતો. જવાબમાં અમેરિકાની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૨ રન જ કરી શક્યું હતું. પહેલી મૅચની જેમ ભારતે આ હરીફ સામે પોતાની બીજી T20 ટક્કરમાં પણ જીત નોંધાવી હતી.
17: T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે હાઇએસ્ટ આટલામી વખત પ્લેયર ઑફ ધ મૅચ જીતીને વિરાટ કોહલી (૧૬)ને પાછળ છોડ્યો સૂર્યાએ.
ADVERTISEMENT
ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં રાતોરાત જોડાયેલા મોહમ્મદ સિરાજે ટીમ માટે ૨૯ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે બે-બે વિકેટ લીધી હતી.
ભારતના ધુરંધર બૅટર્સ વિશે હોમવર્ક કરીને આવેલી મોનાંક પટેલ ઍન્ડ કંપનીને શરૂઆતમાં જ ચોંકાવ્યા હતા. શાનદાર બોલિંગ અને ફીલ્ડિંગને કારણે અમેરિકાએ ૧૩ ઓવરમાં ૭૭ રનના સ્કોર પર ૬ વિકેટ પાડીને ભારતને ઘૂંટણિયે પાડી દીધું હતું. ઈશાન કિશને ૧૬ બ઼ૉલમાં ૨૦ રન, તિલક વર્માએ ૧૬ બૉલમાં પચીસ રનની ઇનિંગ્સ રમી હતી.
ત્રીજા ક્રમે રમીને શરૂઆતમાં ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમ્યા બાદ કૅપ્ટન સૂર્યાએ ૧૭૧.૪૩ના સ્ટ્રાઇક રેટથી શાનદાર બૅટિંગ કરી હતી. તેણે ૪૯ બૉલમાં ૧૦ ફોર અને ૪ સિક્સની મદદથી ૮૪ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમીને મજબૂત સ્કોર કરવાની સાથે ભારતીય ફૅન્સના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતીય કૅપ્ટન તરીકેની વર્લ્ડ કપ ડેબ્યુ ઇનિંગ્સમાં તેણે હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો.

શૅડ્લી વૅન શાલ્કવિકે ૪ ઓવરમાં પચીસ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
સંજુ સૅમસન ડ્રૉપ, બુમરાહને આરામ, તિલક, સિરાજની T20 ટીમમાં વાપસી
અમેરિકા સામેની પહેલી મૅચમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્દેશ મળ્યા બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઇંગ ઇલેવન વિશે મોટી અપડેટ આપવામાં આવી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચની સિરીઝમાં કંગાળ પ્રદર્શન કરનાર સંજુ સૅમસનને ડ્રૉપ કરવામાં આવ્યો હતો. ઓપનર તરીકે ઈશાન કિશન પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. ઇન્જર્ડ તિલક વર્માએ ફિટ થયા બાદ ટીમમાં વાપસી કરી છે.
વાઇરલ ફીવરને કારણે અસ્વસ્થ હોવાથી મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. હર્ષિત રાણાના સ્થાને રાતોરાત ભારતની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સ્થાન મેળવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળ્યું હતું. જુલાઈ ૨૦૨૪ બાદ તે ભારત માટે T20 મૅચ રમ્યો હતો.
સૂર્યાનો ગજબનો શૉટ
ભારતીય ઇનિંગ્સની અંતિમ ઓવરમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર સામે પહેલા ચાર બૉલ પર ૪,૬,૬,૪ ફટકાર્યા હતા. તે ફાઇન-લેગ તરફ શાનદાર શૉટ રમવા દરમ્યાન જમીન પર ગબડી પડ્યો હતો.
પહેલી વખત T20માં ભારતના ટૉપ થ્રી બૅટર્સ ડાબોડી
T20 ઇન્ટરનૅશનલના ઇતિહાસમાં ભારત પહેલી વખત ડાબા હાથના ટૉપ થ્રી બૅટર સાથે મેદાનમાં ઊતર્યું હતું. ઈશાન કિશન, અભિષેક શર્મા બાદ તિલક વર્મા ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારત તરફથી ૧૯૯૯માં માત્ર બે વખત જ ટૉપ થ્રી બૅટર ડાબા હાથના પ્લેયર્સ રહ્યા હતા.
સાઉથ આફ્રિકામાં જન્મેલા ૩૭ વર્ષના પેસ બોલર શૅડ્લી વૅન શાલ્કવિકે ૪ ઓવરમાં પચીસ રન આપીને ૪ વિકેટ લીધી હતી. મુંબઈમાં જન્મેલા સ્પિનર હરમીત સિંહે ૨૬ રન આપીને બે વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનમાં જન્મેલા સ્પિનર મોહમ્મદ મોહસિને અને પેસ બોલર અલી ખાનને પણ ૧-૧ વિકેટ મળી હતી.
રન-ચેઝ દરમ્યાન અમેરિકાએ પાવરપ્લેમાં ૩૧ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. એ સમયે ભારતીય મૂળના મિડલ-ઑર્ડર બૅટર્સ જ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. મિલિંદ કુમારે ૩૪ રન જ્યારે સંજય કૃષ્ણમૂર્તિ અને શુભમ રંજને ૩૭-૩૭ રન ફટકાર્યા હતા. પેસ બોલર મોહમ્મદ સિરાજે ૨૯ રન આપીને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે માત્ર ૧૮ રન આપીને બે વિકેટ ઝડપી હતી. સ્પિનર્સમાંથી વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલે ૨૪ રન આપીને બે વિકેટ અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ એટલા જ રન આપીને એક વિકેટ લીધી હતી.


