સુનીલ ગાવસકરે 2027 વન-ડે વર્લ્ડ કપ માટે પોતાની પસંદગીની ભારતીય ટીમ જાહેર કરી છે. તેમણે હર્ષિત રાણા, નીતિશકુમાર રેડ્ડી અને ઈશાન કિશનને સ્થાન આપતાં શમી, ભુવનેશ્વર અને રિષભ પંતને બહાર રાખ્યા.
સુનીલ ગાવસ્કર અને હર્ષિત રાણા
ભારતના ભૂતપૂર્વ ખેલાડી અને હેડ કોચ રવિ શાસ્ત્રી બાદ હવે દિગ્ગજ સુનીલ ગાવસકરે વન-ડે વર્લ્ડ કપ 2027 માટેની પોતાની પસંદગીની ભારતીય સ્ક્વૉડ જાહેર કરી છે અને સોશ્યલ મીડિયામાં શૅર કરી છે. રવિ શાસ્ત્રીએ જૂના જોગીઓ મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારને તેની સ્ક્વૉડમાં પસંદ કરીને તેમના ચાહકોને ખુશ કરી દીધા હતા પણ ગાવસકરને નથી લાગતું કે એ બન્ને અનુભવીઓ હવે ટીમમાં કમબૅક કરીને વર્લ્ડ કપમાં રમી શકશે. તેમણે આ બન્નેને બદલે ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના ફેવરિટ હર્ષિત રાણાની પસંદગી કરી છે અને ઑલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડીનો સમાવેશ કર્યો છે. એ ઉપરાંત વિકેટકીપર-બૅટર રિષભ પંતને બદલે ઈશાન કિશનને પ્રાથમિકતા આપી છે.
ગાવસકરે પસંદ કરેલી ભારતીય સ્ક્વૉડમાં કૅપ્ટન શુભમન ગિલ જ છે અને અન્ય ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અર્શદીપ સિંહ અને નીતિશકુમાર રેડ્ડીનો સમાવેશ છે.
વન-ડે વર્લ્ડ કપ આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે.
