સ્ટીવ સ્મિથ કહે છે, ‘ઇંગ્લૅન્ડના બૅટર્સ ઇંગ્લૅન્ડમાં ખૂબ સપાટ અને બૅટિંગ-ફ્રેન્ડ્લી પિચ પર રમી રહ્યા છે, પણ ઑસ્ટ્રેલિયામાં તેમને ખૂબ અલગ પડકારનો સામનો કરવો પડશે
સ્ટીવ સ્મિથ
ઘરઆંગણે સપાટ પિચો પર શાનદાર પ્રદર્શન કરી રહેલા ઇંગ્લૅન્ડના બૅટર્સને ઑસ્ટ્રેલિયાના અનુભવી બૅટર સ્ટીવ સ્મિથે ચેતવણી આપી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ટીમ આ વર્ષના અંતમાં ઍશિઝ-સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
સ્ટીવ સ્મિથ કહે છે, ‘ઇંગ્લૅન્ડના બૅટર્સ ઇંગ્લૅન્ડમાં ખૂબ સપાટ અને બૅટિંગ-ફ્રેન્ડ્લી પિચ પર રમી રહ્યા છે, પણ ઑસ્ટ્રેલિયામાં તેમને ખૂબ અલગ પડકારનો સામનો કરવો પડશે. હું ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ-સિરીઝ જોઈ રહ્યો છું અને ત્યાં કેટલીક શાનદાર ક્રિકેટ રમાઈ છે. એથી મને લાગે છે કે આ વર્ષે ઍશિઝ ટેસ્ટ-સિરીઝ શાનદાર રહેશે. છેલ્લાં બે અઠવાડિયાંમાં તેઓએ મેદાન પર મનોરંજક શૈલી (બાઝબૉલ)ને બદલે પરિસ્થિતિઓથી થોડું અલગ રીતે રમવાનું શરૂ કર્યું છે. તેઓ હવે ખરેખર મૅચ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
ADVERTISEMENT
સ્મિથ ઑલિમ્પિક્સની ક્રિકેટ-ટીમમાં એન્ટ્રી ઇચ્છે છે
ફેબ્રુઆરી ૨૦૨૫માં ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમી-ફાઇનલમાં હાર બાદ વન-ડેમાંથી નિવૃત્તિ લેનાર સ્મિથ કહે છે, ‘મેં વન-ડે ક્રિકેટ રમવાનું બંધ કરવાનો નિર્ણય લીધો જેથી હું વધુ ફ્રૅન્ચાઇઝી માટે રમી શકું અને ઑલિમ્પિક્સ ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી શકું. વિશ્વભરમાં વધુ ટૂંકા ફૉર્મેટની ટુર્નામેન્ટ રમવાથી જ ફાયદો થશે. એ મારા માટે એક લાંબી સફર રહી છે અને હું લાંબા સમયથી આ કરી રહ્યો છું. હું હજી પણ એનો આનંદ માણી રહ્યો છું. ખાસ કરીને ટૂંકા ફૉર્મેટમાં હું મારું નામ આગળ ધપાવવા માગું છું.’


