એશિયા કપ જીતવાની સ્પર્ધામાં ટકી રહેવા માટે શ્રીલંકા સામે બંગલાદેશની ટીમે કરવું પડશે સર્વશ્રેષ્ઠ T20 પ્રદર્શન, શ્રીલંકા આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે, એના સહારે બંગલાદેશને મળી સુપર-ફોરમાં એન્ટ્રી
અફઘાનિસ્તાન સામે બંગલાદેશનાે નસુમ અહમદ શાનદાર બોલિંગ કરીને બે વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. શ્રીલંકાએ તેનાથી બચવું પડશે.
આજે દુબઈમાં શ્રીલંકા અને બંગલાદેશની ટક્કરથી T20 એશિયા કપ 2025ના સુપર-ફોર રાઉન્ડની શરૂઆત થશે. બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૨૧માંથી ૧૩ મૅચ શ્રીલંકા અને ૮ મૅચ બંગલાદેશ જીત્યું છે. T20 એશિયા કપમાં તેમની વચ્ચે રમાયેલી ત્રણમાંથી છેલ્લી બે મૅચ શ્રીલંકા જીત્યું છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન શ્રીલંકાની નજર સતત બીજા T20 એશિયા કપ જીતવા પર છે. સુપર-ફોરની ચારેય ટીમમાં બંગલાદેશ નબળી ટીમ દેખાઈ રહી છે. રેસમાં ટકી રહેવા માટે આ ટીમે બેસ્ટ પ્રદર્શન કરવું પડશે.
ગ્રુપ-Bમાં અપરાજિત રહેલી શ્રીલંકન ટીમે ગ્રુપ-સ્ટેજમાં રન ચેઝ કરીને બંગલાદેશ (૬ વિકેટ), હૉન્ગકૉન્ગ (૪ વિકેટ) અને અફઘાનિસ્તાન (૬ વિકેટ)ને માત આપી હતી. બીજી બાજુ શ્રીલંકાના સમર્થનને કારણે બંગલાદેશ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચ્યું હતું. જો શ્રીલંકા ગુરુવારે અફઘાનિસ્તાન સામે હારી ગયું હોત તો બંગલાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત. બંગલાદેશને ગ્રુપ-સ્ટેજમાં હૉન્ગકૉન્ગ (૭ વિકેટ) સામે વિજયી શરૂઆત મળી ત્યાર બાદ શ્રીલંકા સામે ૬ વિકેટે હાર મળી હતી. અફઘાનિસ્તાન સામે ૮ રનની સાંકડી જીત બાદ તેઓ પોતાનું અભિયાન પાછું પાટા પર લાવી શક્યા હતા.


