આ બન્ને ખેલાડીઓને બદલે ટીમમાં એન્દિલ ફેલુકવાયો અને લિઝાદ વિલિયમ્સનો કરાયો સમાવેશ.
ઍન્રિચ નૉર્કિયા અને સિસાન્દા મગાલા
વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકાને બે મોટા આંચકા લાગ્યા છે, કારણ કે ફાસ્ટ બોલર ઍન્રિચ નૉર્કિયા અને સિસાન્દા મગાલા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. તેમને બદલે બોલિંગ ઑલરાઉન્ડર એન્દિલ ફેલુકવાયો અને સીમર લિઝાડ વિલિયમ્સને ટીમમાં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમના કોચ રોબ વૉલ્ટરે કહ્યું કે ‘વર્લ્ડ કપમાં ઍન્રિચ અને સિસાન્દા નહીં રમે એ ટીમ માટે બહુ નિરાશાનજક વાત છે. બન્ને ઘણા મહત્ત્વના ખેલાડી છે. તેઓ ફરી પાછા રમી શકે એ માટે તેમને આરામ આપવો જરૂરી છે.’
નૉર્કિયાની પીઠના નીચેના ભાગમાં ઈજા થઈ છે. ઑસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે દરમ્યાન ૨૯ વર્ષના ફાસ્ટ બોલરને કમરમાં ખેંચાણનો અનુભવ થયો હતો. ત્યાર બાદ સ્કૅન કરાવતાં ઈજા ગંભીર હોવાની જાણ થઈ હતી. મગાલાને ડાબા પગના ઘૂંટણમાં દુખાવો છે. નૉર્કિયા અને મગાલા બન્નેનો સાઉથ આફ્રિકાની ટીમમાં સમાવેશ થયો હતો, પરંતુ શનિવારે ટીમ ભારત આવવા રવાના થાય એ પહેલાં તેઓ સારા થાય એવી શક્યતા નથી, જેને કારણે ટીમને અન્ય બે ખેલાડીઓનો સમાવેશ કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાના કોચ રોબ વૉલ્ટરે કહ્યું કે એન્દિલ અને લિઝાડ માટે આ તક છે. બન્ને ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં રમ્યા હતા. નૉર્કિયાની ઈજા સાઉથ આફ્રિકા માટે મોટો ફટકો છે, કારણ કે એ વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર પૈકીનો એક છે.


