જો અક્ષર પટેલ સમયસર સાજો ન થાય તો ટીમ મૅનેજમેન્ટે વર્લ્ડ કપ માટે તૈયાર રાખ્યો છે બૅકઅપ પ્લાન : ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બન્નેની કરશે ચકાસણી
ફાઇલ તસવીર
દોઢ મહિના પહેલાં રવિચન્દ્રન અશ્વિન તેની યુટ્યુબ ચૅનલ પર કહી રહ્યો હતો કે શા માટે તિલક વર્માને વન-ડે વર્લ્ડ કપ માટે ગંભીરતાથી ધ્યાનમાં લેવાતો નથી? ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી મોટા મૅચ-વિનર્સ પેકી એક એવા અશ્વિને ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેને પોતાના કરતાં દોઢ દાયકા જુનિયર એવા વૉશિંગ્ટન સુંદરને વર્લ્ડ કપની ટીમ માટે ટ્રાયલ માટે બોલાવવામાં આવશે. આ ટ્રાયલને આધારે જ વર્લ્ડ કપમાં તેની પસંદગી થશે કે નહીં એ નક્કી કરશે.
વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમ મૅનેજમેન્ટે બે ઑફ સ્પિનરોને ઑસ્ટ્રેલિયા સામેની ત્રણ મૅચોની સિરીઝ માટે પસંદ કર્યા છે, કારણ કે અક્ષર પટેલ જો સમયસર સારો ન થાય તો એનો બીજો વિકલ્પ તૈયાર હોવો જોઈએ. અજિત અગરકરના નેતૃત્વવાળી સિલેક્શન કમિટી મોહાલી અને રાજકોટની ફ્લૅટ પિચ પર આ બન્ને ખેલાડીઓના પ્રદર્શનને નિહાળશે. ભૂતપૂર્વ સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ‘આ સ્પર્ધામાં અશ્વિન થોડોક આગળ છે. મારું હંમેશાંથી માનવું હતું કે વન-ડે વર્લ્ડ કપની ટીમમાં અશ્વિનને સ્થાન મળવું જોઈએ. એટલે જો અક્ષર સમયસર સાજો નહીં થાય તો તેની પસંદગી થઈ શકે છે. આપણે એવી આશા રાખીએ કે રાજકોટમાં રમાનારી ત્રીજી અને છેલ્લી વન-ડે પહેલાં અક્ષર ફિટ થઈ જાય. જો તે ફિટ થઈ જશે તો અક્ષર એનું સ્થાન જાળવી રાખશે. આ વર્લ્ડ કપ પહેલાંની સૌથી મોટી સ્પર્ધા હશે, પરંતુ જો સિલેક્શન કમિટી બૅટિંગ અને બોલિંગ એમ બન્ને કરી શકે એવો ખેલાડી શોધતી હશે તો કદાચ અશ્વિન માટે ચિંતાનું કારણ હોઈ શકે છે.’ હરભજન સિંહે કહ્યું હતું કે ‘વૉશિંગ્ટન પાવરપ્લેમાં સારી બોલિંગ કરી શકે છે. તે સારો ફિલ્ડર અને લેફ્ટ હૅન્ડર બૅટર પણ છે. એટલે તે એક પૅકેજ છે.’ અન્ય એક સિલેક્ટરે નામ ન જણાવાની શરતે કહ્યું હતું કે ટીમમાં એક પણ રાઇટી સ્પિનર નહોતો. એશિયા કપમાં પણ અક્ષર બૉલને ટર્ન કરાવી શક્યો નહોતો. રોહિત શર્મા, રાહુલ દ્રવિડ કે અજિત અગરકર પણ અક્ષર કે વૉશિંગ્ટનમાંથી કોને પસંદ કરવો એ નક્કી કરી શક્યા નથી. એટલે જ બન્નેને બોલાવવામાં આવ્યા છે.


