બીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૩૦ રન કરીને સાઉથ આફ્રિકા A ટીમે ૧૦૫ રનની લીડ મેળવી
આયુષ મ્હાત્રેની ફિફ્ટી
બૅન્ગલોરમાં પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે સાઉથ આફ્રિકા A ટીમે ગેમ પર પોતાની પકડ મજબૂત કરી છે. બીજા દિવસની રમતની શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ ૧૦ રન ઉમેરીને અંતિમ વિકેટ ગુમાવીને પહેલી ઇનિંગ્સમાં ૩૦૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમ ૫૮ ઓવરમાં ૨૩૪ રને ઑલઆઉટ થઈ હતી, જેમાં આયુષ મ્હાત્રેની હાફ સેન્ચુરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૭૫ રન આગળ ચાલી રહેલી મહેમાન ટીમે બીજા દિવસના અંતે બીજી ઇનિંગ્સની ૧૨ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૩૦ રન કરીને ૧૦૫ રનની લીડ મેળવી હતી.
૧૮ વર્ષના ઓપનર આયુષ મ્હાત્રેએ ૧૦ ફોરની મદદથી ૭૬ બૉલમાં ૬૫ રનની ઇનિંગ્સ રમી હતી. તેના સિવાય માત્ર યંગ બૅટર સાઈ સુદર્શને ૩૨ રન અને આયુષ બદોનીએ ૩૮ રન કરીને ૩૦+ રનની ઇનિંગ્સ રમી હતી. મિડલ ઑર્ડરના ધુરંધર બૅટર્સ ફ્લૉપ રહ્યા હતા. દેવદત્ત પડિક્કલ બાવીસ બૉલમાં ૬ રન, રજત પાટીદાર ૩૫ બૉલમાં ૧૯ રન અને રિષભ પંત ૨૦ બૉલમાં ૧૭ રનની ઇનિંગ્સ રમી શક્યા હતા. સાઉથ આફ્રિકાના સ્પિનર પ્રેનેલન સુબ્રાયેને ૬૧ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.


