બીજી મૅચમાં ૪૧૭ રનનો ટાર્ગેટ ચેઝ કરીને બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી
અનુભવી બૅટર ટેમ્બા બવુમા સહિત સાઉથ આફ્રિકા A ટીમના પ્લેયર્સે યાદગાર જીત બાદ પડાવ્યો ગ્રુપ-ફોટો
સાઉથ આફ્રિકા A ટીમે બીજી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ પાંચ વિકેટે જીતીને ઇન્ડિયા A સામેની બે મૅચની સિરીઝ ૧-૧થી ડ્રૉ કરી છે. ટીમ ઇન્ડિયાએ ૨૫૫ અને ૩૮૨ રનનો સ્કોર કરીને ૪૧૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૨૧ રનમાં ઢેર થયેલી મહેમાન ટીમે બીજી ઇનિંગ્સમાં ૯૮ ઓવરની રમત રમીને પાંચ વિકેટે ૪૧૭ રન ચેઝ કરી લીધા હતા. બે સદીના આધારે ૨૫૯ રન કરનાર ધ્રુવ જુરેલ પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર થયો હતો.
ચોથા દિવસની રમતની શરૂઆતમાં જીત માટે ભારતને ૧૦ વિકેટ અને સાઉથ આફ્રિકાને ૩૯૨ રનની જરૂર હતી. સાઉથ આફ્રિકાના બૅટર જૉર્ડન હર્મને ૧૨૩ બૉલમાં ૯૧ રન, લેસેગો સેનોક્વાનેએ ૧૭૪ બૉલમાં ૭૭ રન, ઝુબેર હમઝાએ ૮૮ બૉલમાં ૭૭ રન, ટેમ્બા બવુમાએ ૧૦૧ બૉલમાં ૫૯ રન અને કોનર એસ્ટરહુઇઝેને ૫૪ બૉલમાં બાવન રન કરીને શાનદાર જીત અપાવી હતી. ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ વિદેશી ટીમ દ્વારા ચેઝ કરવામાં આવેલો આ સૌથી મોટો ટાર્ગેટ હતો. ભારતીય બોલિંગ યુનિટમાંથી બીજી ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાને બે જ્યારે હર્ષ દુબે, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને એક-એક વિકેટ મળી હતી.


