શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં ૪૫૮ રન ફટકાર્યા, બંગલાદેશ બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૧૧૫ કરીને હજી ૯૬ રન પાછળ
ટેસ્ટ-ક્રિકેટમાં વિકેટકીપર તરીકે ૯૯ કૅચ અને ૧૫ સ્ટમ્પિંગ કર્યાં છે લિટન દાસે.
શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે હાલમાં બીજી ટેસ્ટ-મૅચ રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. પહેલી ઇનિંગ્સમાં ૨૪૭ રન કરનાર બંગલાદેશ સામે ત્રીજા દિવસે શ્રીલંકાએ ઓપનર પથુમ નિસાન્કા (૨૫૪ બૉલમાં ૧૫૮ રન)ની ધમાકેદાર ઇનિંગ્સના આધારે ૧૧૬.૫ ઓવરમાં ઑલઆઉટ થઈને ૪૫૮ રન કર્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે બંગલાદેશે ૩૮.૪ ઓવરમાં ૧૧૫ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દેતાં યજમાન શ્રીલંકા પાસે હજી ૯૬ રનની લીડ બચી છે.
બંગલાદેશ તરફથી વિકેટકીપર-બૅટર લિટન દાસ (૩૯ બૉલમાં ૧૩ રન) પર હવે બંગલાદેશની ઇનિંગ્સને મજબૂત સ્કોર સુધી પહોંચાડવાની જવાબદારી રહેશે. આ મૅચ દરમ્યાને તે ટેસ્ટ-ક્રિકેટમાં બંગલાદેશ માટે નંબર-વન વિકેટકીપર બન્યો છે. ૧૧૪ શિકાર સાથે તેણે અનુભવી ક્રિકેટર મુશફિકુર રહીમ (૧૧૩ શિકાર)ને પાછળ છોડયો છે. શ્રીલંકાના સ્પિનર્સ પ્રબથ જયસૂર્યા (૪૭ રનમાં બે વિકેટ) અને ધનંજય ડિસિલ્વા (૧૩ રનમાં બે વિકેટ) બીજી ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

