ધરમશાલામાં એક દાયકા બાદ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે T20 મૅચ રમાશે, ટીમ ઇન્ડિયાને અહીં એકમાત્ર હાર આ હરીફ સામે જ મળી હતી
મૅચનો સમય સાંજે ૭.૦૦ વાગ્યાથી
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પાંચ T20 મૅચની સિરીઝની ત્રીજી મૅચ આજે ધરમશાલાના હિમાચલ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ ૧-૧થી લેવલ છે ત્યારે બન્ને ટીમ વચ્ચે સિરીઝમાં લીડ મેળવવાની રસાકસી જોવા મળશે. સાઉથ આફ્રિકા આ સ્ટેડિયમમાં ૨૦૧૫માં એકમાત્ર T20 મૅચ રમ્યું હતું જેમાં તેણે ભારતને ૭ વિકેટે હરાવ્યું હતું. ભારતને અહીં ત્રણ T20 મૅચમાંથી એકમાત્ર હાર આ હરીફ ટીમ સામે જ મળી હતી.
મુશ્કેલીમાં મુકાયેલા વાઇસ કૅપ્ટન શુભમન ગિલ માટે પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન બચાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ મૅનેજમેન્ટ T20 વર્લ્ડ કપ 2026 અગાઉ શુભમન ગિલના વિકલ્પ વિશે વિચારે એ પહેલાં સાઉથ આફ્રિકા સામે આગામી ત્રણ મૅચના ઑડિશનમાં તેણે ધમાલ મચાવવી પડશે. વાઇસ કૅપ્ટન શુભમન ગિલ આ વર્ષે ૧૪ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં માત્ર બે વખત ૪૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી શક્યો છે.
ધરમશાલામાં આજે સાંજે ૧૦ ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન રહેવાની સંભાવના છે ત્યારે બાઉન્સ અને સારી ગતિ આપતી પિચ પર બન્ને ટીમના પ્લેયર્સ વચ્ચે બરાબરની ટક્કરની આશા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે. આ સ્ટેડિયમમાં ૧૦ મૅચોમાંથી ૨૦૦ રનનો એકમાત્ર T20 ઇન્ટરનૅશનલ ટીમ સ્કોર માત્ર સાઉથ આફ્રિકાએ જ કર્યો છે.


