વિજેતા ટીમના તમામ પ્લેયર્સ ‘મિડ-ડે કપ’માં રમ્યા છે : કુંજ વોરાના ૪૬ રન, ૩૭ રનમાં ૬ વિકેટ ઃ વિલે પાર્લે ક્લબે લીડના આધારે મેળવ્યા ત્રણ પૉઇન્ટ
ગઈ કાલે માટુંગામાં કાંગા લીગની મૅચમાં સરસાઈના આધારે વિજેતા જાહેર થયેલી વિલે પાર્લે સ્પોર્ટ્સ ક્લબની ટીમ. કુંજ વોરા (જમણેથી છઠ્ઠો) અને મિહિર પાસડ (જમણેથી આઠમો) વચ્ચે પાંચમી વિકેટ માટે ૬૪ રનની મૅચ-વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી.
માટુંગામાં ગઈ કાલે ડૉ. એચ. ડી. કાંગા લીગ (‘એચ’ ડિવિઝન)ની લીગ મૅચમાં વિલે પાર્લે સ્પોર્ટ્સ ક્લબે સ્વસ્તિક ક્રિકેટ ક્લબને ડ્રૉ છતાં પ્રથમ દાવની સરસાઈના આધારે જીતીને મહત્ત્વપૂર્ણ ૩ પૉઇન્ટ મેળવ્યા હતા. કુંજ વિમલ વોરા (૪૦ બૉલમાં ૪૬ રન અને ૩૭ રનમાં ૬ વિકેટ)ના જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સનો આ જીતમાં સૌથી મોટો ફાળો હતો.
વિલે પાર્લે સ્પોર્ટ્સ ક્લબની ટીમમાં તમામ ખેલાડીઓ કચ્છી વીસા ઓસવાળ (ક. વી. ઓ.) સમાજના હતા અને તેઓ ‘મિડ-ડે કપ’માં રમ્યા છે. વિલે પાર્લેની ટીમે બૅટિંગ મળ્યા પછી માત્ર બાવીસ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ એક સિક્સર અને આઠ ફોરની મદદથી ટીમમાં સૌથી વધુ ૪૬ રન બનાવનાર કુંજ વોરાએ મિહિર વિપુલ પાસડ (૪૨ રન, ૬૨ બૉલ, ત્રણ ફોર) સાથે પાંચમી વિકેટ માટે ૬૪ રનની ભાગીદારી કરીને પોતાની ટીમને જોરદાર કમબૅક અપાવ્યું હતું. જયેશ મણિલાલ પોલડિયાએ ૩૦ બૉલમાં ત્રણ ફોરની મદદથી ઉપયોગી ૨૬ રન બનાવ્યા હતા. વિલે પાર્લેની ટીમ ૩૨.૩ ઓવરમાં ૧૪૭ રનના સ્કોર પર ઑલઆઉટ થયા બાદ સ્વસ્તિક ક્લબની ટીમ ૩૩.૨ ઓવરમાં ફક્ત ૧૧૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં વિલે પાર્લેની ટીમે ૨૮ રનની લીડ લીધી હતી. આ એક દિવસીય મૅચ ટેસ્ટ-મૅચના ફૉર્મેટને આધારે રમાતી હોવાથી બીજી ઇનિંગ્સ શરૂ થઈ હતી જેમાં વિલે પાર્લેની ટીમે ૭ વિકેટે ૫૬ રન બનાવ્યા હતા, પરંતુ મૅચ પૂરી થતાં વિલે પાર્લેની ટીમે ૨૮ રનની સરસાઈના આધારે ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા. વિજેતા ટીમની હવે પછીની મૅચ ૨૭ ઑગસ્ટે માટુંગામાં બાંદરા જિમખાના સામે રમાશે.
ADVERTISEMENT
લેફ્ટ-આર્મ સ્પિનથી છ વિકેટ લેનાર કુંજ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંગા લીગની મૅચો યોજવા પાછળનો હેતુ વરસાદને લીધે ટફ થઈ ગયેલી પિચ પર જો ખેલાડીઓ રમ્યા હોય તો આગળ જતાં તેમને ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ મૅચોની પિચ પર રમવામાં સરળતા પડે. આઝાદી દિને રમાયેલી આ મૅચ દરમ્યાન વાતાવરણ જાણે ઇંગ્લૅન્ડ જેવું હતું. તડકો પડે અને પછી તરત હવામાન બદલાઈ જતાં ઝરમર વરસાદ પડવા માંડે અને અમે એમાં પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. માટુંગાના મેદાનની પિચ સારી હતી અને આઉટફીલ્ડ પણ રમવાલાયક હતું.’
વિલે પાર્લે સ્પોર્ટ્સ ક્લબની ટીમના ખેલાડી દીપેશ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘અમારી ટીમ એમસીએના નૉકઆઉટમાંથી ક્વૉલિફાય થઈને કાંગા લીગના ‘એચ’ ડિવિઝનમાં પહોંચી છે, જેમાં કુલ ૮ લીગ મૅચ રમાશે. પ્રથમ મૅચ વૉશઆઉટ થઈ ગઈ હતી. જોકે ગઈ કાલે કુંજ વોરાના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ અને મિહિર પાસડ સહિત બીજા પ્લેયર્સના ઉપયોગી પર્ફોર્મન્સની મદદથી અમે સરસાઈના આધારે જીતીને મહત્ત્વપૂર્ણ ત્રણ પૉઇન્ટ મેળવી લીધા હતા.’


