ઑસ્ટ્રેલિયા સામેની આજથી શરૂ થનારી વન-ડે સિરીઝમાં ઐયરની ફિટનેસ, તો સૂર્યકુમારના પ્રદર્શનના આધારે વર્લ્ડ કપમાં પ્લેઇંગ ઇલેવનમાં તેમના સ્થાનને લઈને નિર્ણય લેવામાં આવશે
સૂર્યકુમાર યાદવ
ઑસ્ટ્રેલિયા સામે આજથી શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ શ્રેયસ ઐયર માટે પોતાની ફિટનેસ પુરવાર કરવાની અને સૂર્યકુમાર યાદવ (એસકેવાય- સ્કાય) માટે વન-ડેમાં ખરાબ રેકૉર્ડ સુધારવાની તક હશે, કારણ કે આવતા મહિનાથી વર્લ્ડ કપની મૅચો શરૂ થઈ રહી છે. ભારતે પોતાની બૅટિંગ લાઇનઅપના આધાર સમા કૅપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને પહેલી બે મૅચ માટે આરામ આપ્યો છે. આ ઉપરાંત સ્પિનર કુલદીપ યાદવ અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ આરામ અપાયો છે, આમ કોચ રાહુલ દ્રવિડ માટે બેન્ચ સ્ટ્રેંગ્થ ચકાસવાની છેલ્લી તક છે.
૨૮ વર્ષનો ઐયર સર્જરીને કારણે છેલ્લા ૬ મહિનાથી વધુ ક્રિકેટ રમ્યો નથી. વળી એશિયા કપ દરમ્યાન પણ ઈજા થતાં તેની ફિટનેસને લઈને પ્રશ્નાર્થ છે. સિલેક્શન કમિટીના ચૅરમૅન અજિત આગરકરે કહ્યું કે ઐયર ૧૦૦ ઓવરની મૅચ રમવા માટે ફિટ છે. જોકે આગામી પાંચ દિવસ દરમ્યાન તેના પર સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે. બીજી તરફ સૂર્યા માટે ટી૨૦માં કોઈ સ્પર્ધા નથી, પરંતુ વન-ડેમાં તેની ભૂમિકાને લઈને ઘણા પ્રશ્નો છે. ૨૭ વન-ડેમાં તેની ઍવરેજ ૨૫ કરતાં ઓછી છે, જે તેની ક્ષમતાને અનુરૂપ નથી.
ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો ભલે તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ૨-૩થી હારી ગયું છતાં ભારતમાં એનું પ્રદર્શન હંમેશાં સારું રહ્યું છે. માર્ચમાં પણ ભારતને વન-ડે સિરીઝમાં તેણે હરાવ્યું હતું. ટ્રેવિસ હેડને થયેલી ઈજાને કારણે માર્નસ લબુશેનને તક મળી હતી, જે તેણે ઝડપી લીધી હતી. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પેટ કમિન્સના ડાબા હાથના કાંડામાં થયેલી ઈજામાંથી તે સંપૂર્ણપણે સાજો થઈ ગયો અને ત્રણેય મૅચ રમશે એવી શક્યતા છે. મિશેલ સ્ટાર્ક પહેલી મૅચમાં નહીં રમે.


