ક્રિકેટ રમવાના વિરોધી હતા પપ્પા, મામાના માર્ગદર્શનથી વધ્યો આગળ
સમીર રિઝવી
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સનો ઇમ્પૅક્ટ પ્લેયર સમીર રિઝવી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઉત્તર પ્રદેશના બાવીસ વર્ષના આ બૅટરે ૧૪૮.૯૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને ચાર સિક્સની મદદથી ૪૭ બૉલમાં અણનમ ૭૦ રન ઝૂડી નાખ્યા હતા. તેની બૅટિંગશૈલીને કારણે તેને જમણા હાથનો સુરેશ રૈના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર પ્રદેશના મેરઠમાં ૬ વર્ષની ઉંમરથી સમીર રિઝવીએ પોતાના મામાના માર્ગદર્શનમાં ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. સમીર રિઝવીના પપ્પા ક્રિકેટથી વધારે શિક્ષણને પ્રાધાન્ય આપતા હોવાથી તેમણે મામાને ઘણી વખત ચેતવણી પણ આપી હતી. ક્રિકેટમાંથી કાંઈ નથી મળવાનું એવા ટૉન્ટ પણ સમીર રિઝવીના પપ્પાએ ક્રિકેટઘેલા મામાને માર્યા હતા છતાં મામાએ સમીર રિઝવીનું સીક્રેટ ટ્રેઇનિંગ સેશન ચાલુ રાખ્યું હતું.
રિઝવીએ ૨૦૧૯-’૨૦ની રણજી ટ્રોફી સીઝન દરમ્યાન ઉત્તર પ્રદેશ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યુ કર્યું હતું ફક્ત ૧૬ વર્ષની ઉંમરે. જોકે એના થોડા દિવસ પહેલાં સમીર રિઝવીના પપ્પા બ્રેઇન-હૅમરેજના શિકાર બન્યા હતા. એ સમયે ઘરની પરિસ્થિતિથી સમીર રિઝવીને ક્રિકેટમાં વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી હતી. ભારતની અન્ડર-19 ટીમ માટે રમી ચૂકેલો આ ખેલાડી યુપી T20 લીગ 2023ને કારણે ચર્ચામાં આવ્યો હતો. એ સમયે તેણે ૯ ઇનિંગ્સમાં ૧૮૮.૮ના સ્ટ્રાઇક-રેટથી ૩૫ સિક્સ અને બે સદીની મદદથી ૪૫૫ રન કર્યા હતા.
IPLમાં કેવું રહ્યું છે પ્રદર્શન?
સમીર રિઝવીની IPL-સફર ૨૦૨૪ના ઑક્શનથી શરૂ થઈ હતી. એ સમયે ચેન્નઈ સુપર કિંગ્સે તેને ૮.૪૦ કરોડ રૂપિયામાં ખરીદીને એ સીઝનનો સૌથી મોંઘો અનકૅપ્ડ ખેલાડી બનાવ્યો હતો. તેણે સ્પિનર રાશિદ ખાનના પહેલા જ બૉલ પર સિક્સર ફટકારીને પોતાના આગમનની જોરદાર જાહેરાત કરી હતી. જોકે એ સીઝનની ૮ મૅચની પાંચ ઇનિંગ્સમાં બૅટિંગ કરીને સમીર રિઝવી માત્ર ૫૧ રન કરી શક્યો હતો. IPL 2025માં દિલ્હી કૅપિટલ્સ માટે તેણે પાંચ મૅચની ચાર ઇનિંગ્સમાં ૧ ફિફટીની મદદથી ૧૨૧ રન કર્યા હતા. દિલ્હી કૅપિટલ્સ માટે સમીર રિઝવી છેલ્લી સીઝનથી ૯૫ લાખ રૂપિયામાં રમી રહ્યો છે.
