સાથી ઓપનર શુભમન ગિલનો રેકૉર્ડ તોડ્યો, એક સીઝનમાં હાઇએસ્ટ ૮૮ ફોરના રેકૉર્ડની પણ બરાબરી કરી
સાઈ સુદર્શન
ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને વર્તમાન સીઝનમાં એક સેન્ચુરી અને ૬ ફિફ્ટીની મદદથી ૭૫૯ રન ફટકારીને ઑરેન્જ કૅપહોલ્ડર તરીકે સીઝનનો અંત કર્યો છે. તે એક IPL સીઝનમાં ૭૫૦ પ્લસ રન કરનાર વિરાટ કોહલી અને શુભમન ગિલ બાદ ત્રીજો ભારતીય અને ઓવરઑલ પાંચમો પ્લેયર બન્યો છે. ૨૩ વર્ષ ૨૨૭ દિવસની ઉંમરે ૭૦૦ પ્લસ રનનો તેણે સાથી ઓપનર અને કૅપ્ટન શુભમન ગિલ (૨૩ વર્ષ ૨૫૭ દિવસ)નો એક સીઝનમાં ૭૦૦ પ્લસ રન કરવાનો ૨૦૨૩નો રેકૉર્ડ તોડ્યો છે.
સાઈ સુદર્શન ૨૦૨૪માં પણ ગુજરાત માટે ૫૨૭ રન સાથે હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો હતો. તેણે આ વખતે એક સીઝનમાં હાઇએસ્ટ ૮૮ ચોગ્ગા ફટકારવાના ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરના ૨૦૧૬ના રેકૉર્ડની પણ બરાબરી કરી છે.
ADVERTISEMENT
મુંબઈ ઇન્ડિયન્સ સામે ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને હાર્યા બાદ સુદર્શન કહે છે, ‘મેં કાઉન્ટી ક્રિકેટ (ઇંગ્લૅન્ડ)માં સાત મૅચ રમી છે, એનાથી મને ખૂબ જ સારો અનુભવ મળ્યો છે. આનાથી મારી બૅટિંગમાં ટેક્નિક અને બેઝિક્સમાં અનેકગણો સુધારો થયો. આનાથી મને ખ્યાલ આવ્યો કે બૅટિંગમાં ‘બેઝિક્સ’ સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. T20 બૅટ્સમૅન તરીકે મારી પાસે હજી પણ રમતમાં સુધારો કરવા માટે ઘણું બધું છે. જ્યારે પણ મને તક મળશે ત્યારે હું ચોક્કસપણે દેશ માટે મારું શ્રેષ્ઠ આપવા માગીશ.’


