નંબર-પ્લેટમાં સંતાનોની જન્મતારીખ અને જર્સી-નંબરનું છે સ્પેશ્યલ સંયોજન
લમ્બોર્ગિની કાર ખરીદી રોહિત શર્માએ
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માના લક્ઝરી કાર-કલેક્શનમાં નવી ચમકદાર નારંગી રંગની લમ્બોર્ગિની ઉરુસ કાર ઉમેરાઈ છે. આ અપગ્રેડ કારની કિંમત ૪.૫૭ કરોડ રૂપિયા છે. રોહિતે મે મહિનામાં ફૅન્ટસી ક્રિકેટ સ્પર્ધાના વિજેતાને તેની જૂની લમ્બોર્ગિની વાદળી ઉરુસ ભેટ આપી હતી.
જૂની લમ્બોર્ગિનીમાં નંબર-પ્લેટ ૨૬૪ની હતી. આ નંબરનું ખાસ મહત્ત્વ હતું, કારણ કે એ તેના સૌથી વધુ ૨૬૪નો વન-ડે સ્કોર દર્શાવે છે જે વર્ષ ૨૦૧૪માં તેણે શ્રીલંકા સામે રમેલી એક રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ હતી. નવી કારની નંબર-પ્લેટમાં પણ એક સ્પેશ્યલ સંયોજન જોવા મળ્યું છે. નવી કારની નંબર-પ્લેટ માટે ૩૦૧૫ નંબર પસંદ કરવામાં આવ્યો છે, જેમાં રોહિતની દીકરી સમાયરા (૩૦ ડિસેમ્બર ૨૦૧૮) અને અહાન (૧૫ નવેમ્બર ૨૦૨૪)ની જન્મતારીખો છે. ૩૦ અને ૧૫નો સરવાળો ૪૫ થાય છે જે રોહિતની ઇન્ટરનૅશનલ ક્રિકેટ જર્સીનો પણ નંબર છે.


