અહેવાલ અનુસાર જ્યોતિ કાનબુર મઠે બોર્ડ એક્ઝામમાં ઑલમોસ્ટ ૮૫ ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેણે જામખંડીની કૉલેજમાં બૅચલર ઑફ કૉમ્પ્યુટર ઍપ્લિકેશન્સ (BCA) કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો
જ્યોતિ કાનબુર મઠે, રિષભ પંત
ભારતીય ક્રિકેટર રિષભ પંતે કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા પરિવારની વિદ્યાર્થિનીના શિક્ષણ માટે ઉદારતાથી મદદનો હાથ લંબાવ્યો છે. અહેવાલ અનુસાર જ્યોતિ કાનબુર મઠે બોર્ડ એક્ઝામમાં ઑલમોસ્ટ ૮૫ ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેણે જામખંડીની કૉલેજમાં બૅચલર ઑફ કૉમ્પ્યુટર ઍપ્લિકેશન્સ (BCA) કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો, પણ નાણાકીય મુશ્કેલીઓને કારણે તેનો પરિવાર કૉલેજની ફી ચૂકવવામાં અસમર્થ હતો. રવિવારે તેમણે બૅન્ગલોર ક્રિકેટમાં સંપર્ક ધરાવતા અનિલ નામના સ્થાનિકને મદદ માટે સંપર્ક કર્યો. આકસ્મિક રીતે તેમની વિનંતી આખરે રિષભ પંત સુધી પહોંચી અને તેણે સમય બગાડ્યા વિના જવાબ આપ્યો. તેણે તરત જ કૉલેજને જરૂરી ૪૦,૦૦૦ રૂપિયા ફી ચૂકવી દીધી જેનાથી જ્યોતિ કોઈ પણ વિક્ષેપ વિના પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકી.
કૉલેજ મૅનેજમેન્ટની મદદથી જ્યોતિએ ક્રિકેટરને આભાર માનતો લેટર પણ લખ્યો છે જેમાં તેણે લખ્યું કે ‘હું રિષભ પંતની ખૂબ આભારી છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તે તેને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપે. સૉફ્ટવેર એન્જિનિયર બન્યા પછી હું ગરીબ બાળકોને પણ મદદ કરીશ. આ જ રીતે દીકરીઓને બચાવો અને દીકરીઓને સશક્ત બનાવો.’


