મૅક્સવેલની કારકિર્દીમાં આ બીજી વાર થયું છે જ્યારે ઑલરાઉન્ડરે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સ્પર્ધાત્મક ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હોય
IPL 2024
ગ્લેન મૅક્સવેલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ૩૫ વર્ષના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે બૅટિંગમાં ખરાબ ફૉર્મને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી અનિશ્ચિત ‘માનસિક અને શારીરિક’ બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં મૅક્સવેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો એનું કારણ મુંબઈ ઇન્ડિયન્સ સામેની છેલ્લી મૅચ દરમ્યાન આંગળીમાં થયેલી ઈજા હોવાનું કહેવામાં આવ્યું. મૅક્સવેલની કારકિર્દીમાં આ બીજી વાર થયું છે જ્યારે ઑલરાઉન્ડરે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સ્પર્ધાત્મક ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હોય. મૅક્સવેલે ઑક્ટોબર ૨૦૧૯માં આવો જ બ્રેક લીધો હતો. ૧૭મી સીઝનમાં ગ્લેન મૅક્સવેલે ૬ મૅચમાં ૩૨ જ રન બનાવ્યા અને ૯ ઓવરમાં ૭૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું કે ‘મેં કૅપ્ટન અને કોચને કહ્યું હતું કે મારી જગ્યાએ બીજા કોઈ પ્લેયરને અજમાવવાનો સમય આવી ગયો છે. જો ટુર્નામેન્ટ દરમ્યાન મને સામેલ કરવાની જરૂર હોય તો આશા છે કે હું માનસિક અને શારીરિક રીતે મજબૂત સ્થિતિમાં પાછો આવીશ અને પ્રભાવ પાડી શકીશ.’
સુનીલ ગાવસકરે કહ્યું : નામ બડે પર દર્શન છોટે
વર્તમાન સીઝનમાં બાઉન્સર અને ફાસ્ટ બોલિંગ સામે સમસ્યાનો સામનો કરી રહેલા ગ્લેન મૅક્સવેલને જોઈને ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન સુનીલ ગાવસકરે રમૂજી કમેન્ટ કરી હતી. લિટલ માસ્ટરે T20માં ૯૬૦૦થી વધુ રન ફટકારનાર અને ૧૫૮ વિકેટ લેનાર મૅક્સવેલના પ્રદર્શનને જોઈને કહ્યું, ‘નામ બડે પર દર્શન છોટે!’