IPL 2025 પહેલાં ત્રણ મહિના સુધી બેડ-રેસ્ટ હતો આ સ્પિનર, RCBએ લંડનમાં સર્જરી કરાવી બનાવ્યો ફિટ
સુયશ શર્મા
દિલ્હીમાં જન્મેલા ૨૧ વર્ષના સ્પિનર સુયશ શર્માએ હાલમાં લંડનમાં મહત્ત્વપૂર્ણ સર્જરી કરવાની અને ફરી રમવા માટે ફિટ થવાની પોતાની જર્નીનો વિડિયો શૅર કર્યો હતો જેના કૅપ્શનમાં તેણે લખ્યું હતું કે ‘RCB, જ્યારે મને તમારી સૌથી વધુ જરૂર હતી ત્યારે હાજર રહેવા બદલ આભાર.’ સુયશ બે સીઝન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) માટે રમ્યા બાદ હાલમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે રમી રહ્યો છે. ૨.૬૦ કરોડ રૂપિયાના આ સ્પિનરે થોડા દિવસ પહેલાં પોતાની નવી ટીમની દરિયાદિલી વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
વર્તમાન સીઝનમાં નવ મૅચમાં ચાર વિકેટ લેનાર સુયશે RCB બોલ્ડ ડાયરીઝના એક એપિસોડમાં કહ્યું કે ‘મને ત્રણ હર્નિયા (માંસપેશી સમસ્યા) હતા. RCBએ મને સર્જરી માટે લંડન મોકલ્યો હતો. ત્યાં હું RCBના ફિઝિયો જેમ્સ પિપ્પીને મળ્યો. તેણે અને તેના પરિવારે મારી સંભાળ રાખી. હું હવે ફિટ છું. RCBએ મારામાં ઘણો વિશ્વાસ દર્શાવ્યો. તેમણે મારા પર ઇન્વેસ્ટ કર્યું. હું મારી સર્જરીથી ખૂબ ખુશ છું. હું છેલ્લાં બે વર્ષથી પીડાથી પીડાઈ રહ્યો હતો. મને પીડામાં રમવાની આદત પડી ગઈ હતી. IPL 2025 પહેલાં હું ત્રણ મહિના સુધી બેડ-રેસ્ટ પર હતો. મેં ટુર્નામેન્ટનાં માત્ર બે અઠવાડિયાં પહેલાં બોલિંગ શરૂ કરી હતી.’


