હૈદરાબાદમાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં રવીન્દ્ર જાડેજા હૅમસ્ટ્રિંગની ઈજા બાદ એનસીએ પહોંચ્યો
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજાને ઇંગ્લૅન્ડ સામે હૈદરાબાદમાં રમાયેલી સિરીઝની પહેલી ટેસ્ટમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા વિશાખાપટ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઇથી મળેલી માહિતી પ્રમાણે ભારતીય ઑલરાઉન્ડર બીજી ટેસ્ટ મૅચમાંથી બહાર થઈ ગયો છે. ઈજા બાદ જાડેજા એનસીએ (નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી) પહોંચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે કદાચ તે પૂરી સિરીઝમાંથી બહાર થઈ શકે છે.
જો રવીન્દ્ર જાડેજા ઇંગ્લૅન્ડ સામે પૂરી સિરીઝમાંથી બહાર થઈ જશે તો ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. ખાસ કરીને ભારતીય પરિસ્થિતિ પ્રમાણે જાડેજા ટીમ માટે મુખ્ય ઑલરાઉન્ડરના રૂપમાં રમે છે. હૈદરાબાદ ટેસ્ટમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં જાડેજાએ બૉલ અને બૅટ વડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મૅચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી, તો પહેલી ઇનિંગ્સમાં ૮૭ રન બનાવ્યા હતા.ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, જેમાં પહેલી મૅચ ૨૮ રનથી ભારત હારી ગયું છે. બન્ને ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ જોતાં મહત્ત્વની છે. ઇંગ્લૅન્ડ સિરીઝમાં અત્યારે ૧-૦થી આગળ છે.