ઑફ સ્પિનિંગ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રાખવાની ભૂલનો અગમ્ય રીતે સ્વીકાર કરીને ‘ભૂલ’ સુધારવાનો પ્રયાસ કરાયો છે
ફાઇલ તસવીર
આખરે ભારતીય ટીમે એશિયા કપ ટ્રોફી જીતીને અત્યંત જરૂરી આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. પાંચ વર્ષે બહુરાષ્ટ્રીય ઇવેન્ટની ટ્રોફી જીતીને આપણા ક્રિકેટર્સે ઘરઆંગણે યોજાનારા વર્લ્ડ કપ પહેલાં જુસ્સો બુલંદ કરી લીધો છે.
એશિયા કપ જીત્યા પછી કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે પોતે અશ્વિન સાથે ટેલિફોનથી વાતચીત કરી છે, તેના સંપર્કમાં જ છે. જોકે લેફ્ટ હૅન્ડ સ્પિનર અક્ષર પટેલ ઈજામાંથી પૂરેપૂરો મુક્ત થઈ વર્લ્ડ કપની મૅચો માટે સમયસર તૈયાર થઈ શકશે કે નહીં એ વિશે તેના (રોહિતના) મનમાં આશંકા હશે જ અને એટલે જ અશ્વિન માટે ટીમનો દરવાજો પૂરો ખુલ્લો છે કે અડધો એ વિશે દ્વિધા ચાલુ જ છે.
ADVERTISEMENT
ભૂલ સુધારાઈ રહી છે?
ઑફ સ્પિનિંગ ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન તથા લેફ્ટ હૅન્ડ બૅટર અને રાઇટ હૅન્ડ ઑફ સ્પિનર વૉશિંગ્ટન સુંદરનો ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ ચૂકેલી વન-ડે શ્રેણી માટેની ટીમમાં સમાવેશ કરીને વર્લ્ડ કપની ટીમમાંથી બાકાત રાખવાની ભૂલનો અગમ્ય રીતે સ્વીકાર કરીને ‘ભૂલ’ સુધારવાનો પ્રયાસ કરાયો છે.
હા, આપણે તો ઇચ્છીએ જ છીએ કે અક્ષર પટેલ જલદીથી ફુલ્લી ફિટ થઈને રમવા તૈયાર થઈ જાય, પરંતુ આપણી વર્લ્ડ કપ ટીમમાં એક પણ રાઇટ હૅન્ડ સ્પિનરનો સમાવેશ ન હોય અને ત્રણ-ત્રણ લેફ્ટ હૅન્ડ સ્પિનર (જાડેજા, અક્ષર ઉપરાંત ચાઇનામૅન ગૂગલી સ્પેશ્યલિસ્ટ કુલદીપ યાદવ) હશે તો ઘરઆંગણે રમાનારી મૅચોમાં સ્પિનરો પિચનો પૂરો લાભ ઉઠાવી શકશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે.
અશ્વિન અને સુંદર બન્નેને ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમાડીને વર્લ્ડ કપ માટેની ટીમમાં સમાવેશ ન કરવાની ભૂલ સુધારવાનો પ્રયાસ (બન્નેને સાયલન્ટલી મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ) રોહિત શર્મા કરી રહ્યો છે એમ કહી શકાય.
અશ્વિન છે બેમિસાલ
મિસ્ટર રોહિત શર્મા તમે અશ્વિનની બોલિંગની કાબેલિયતથી સુમાહિતગાર હશો જ. તે કોઈ પણ નવા બૉલથી ઓપનિંગમાં બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ વગેરે ટીમમાં લેફ્ટ હૅન્ડ આક્રમક બૅટર્સનો રાફડો છે તો સ્પિનર અશ્વિનના કાંડાની કરામત ભારતને સફળતા અપાવવા ખૂબ જ ઉપયોગી થાય એમ છે. શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન અર્જુન રણતુંગા ઉપરાંત ઘણા ક્રિકેટર્સનું પણ આવું માનવું છે. દ્રવિડે કોચ તરીકે અશ્વિન વિશે બહુ જ સારું કહ્યું છે કે ‘અશ્વિન જેવા ખેલાડી ટ્રાયલ ચકાસણી પર છે એમ કહેવું અજુગતું તો લાગે જ.’ અશ્વિન એવો અનુભવી ખેલાડી છે જેને ઊંઘમાંથી ઉઠાડીને પણ રમવા મોકલીએ તો ગમે એ પિચ પર ટર્ન મેળવી શકે. હા, વૉશિંગ્ટન સુંદર પણ ગણતરીમાં છે જ અને આથી જ અશ્વિન સાથે સુંદરનો સમાવેશ કરાયો છે.
હજી મોડું નથી થયું
હજી પણ મોડું નથી થયું. મિસ્ટર રોહિત શર્મા, આગરકર ઍન્ડ કંપની અને હેડ કોચ દ્રવિડ. ૨૭ સપ્ટેમ્બર સુધી દરેક ટીમે પોતાના આખરી ૧૫ ખેલાડીઓની નામાવલી આપવાની છે તો શું તેઓ ખાસ કરીને અશ્વિન માટે દરવાજો ખુલ્લો કરશે? અમારું તો માનવું છે કે ભારતીય બોલિંગમાં જરૂરી વૈવિધ્યતા આવવી જ જોઈએ. આશા રાખીએ કે શ્રેયસ ઐયર સંપૂર્ણપણે ઈજામુક્ત થઈ જાય. ઑસ્ટ્રેલિયા સામેની પહેલી મૅચમાં પાંચ વિકેટના તરખાટ સાથે ફરી સફળ થઈ રહેલા રિધમ બોલર મોહમ્મદ શમીને પૂરો મોકો મળશે તો તે ફરી અસલ ફોર્મમાં પૂરેપૂરો આવી જશે અને એ ભારતીય ક્રિકેટના હિતમાં છે.
ચાલો, ક્રિકેટરસિકો આપણે બધા ફિંગર્સ ક્રૉસ રાખી ઇચ્છીએ કે ભારતીય ટીમ ઈજામુક્ત રહી મુક્ત મને રમતમાં સામર્થ્ય દાખવીને ઘરઆંગણે વિશ્વકપમાં છવાઈ જાય અને ભારત ત્રીજી વખત વન-ડેમાં વર્લ્ડ ચૅમ્પિયન બને એવી ‘મિડ-ડે’ના વાચકો વતી ટીમ ઇન્ડિયાને ‘બેસ્ટ ઑફ લક.’


