અફઘાનિસ્તાન ૩૩૯ રન બનાવી શકી : શ્રીલંકાએ 42 રને પહેલી વન ડે જીતી
પથુમ નિસાન્કા
પથુમ નિસાન્કાએ શુક્રવારે પલ્લેકેલમાં અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડેમાં ડબલ સેન્ચુરી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. નિસાન્કા વન-ડે ફૉર્મેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ શ્રીલંકન બૅટ્સમૅન બન્યો છે. તેણે માત્ર ૧૩૬ બૉલમાં ડબલ સેન્ચુરી પૂરી કરી હતી. નિસાન્કા વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી પૂરી કરનાર ત્રીજો બૅટ્સમૅન બન્યો છે.
૧૫૧ની સ્ટ્રાઈક રેટથી પથુમ નિસાંકાએ ફટકારેલા ૨૧૦ રનની મદદથી શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૩ વિકેટના નુકસાન સાથે ૩૮૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે અફઘાનિસ્તાનની ટીમ ૬ વિકેટના નુકસાન સાથે ૩૩૯ રન બનાવી શકી હતી. પ્રથમ વન-ડે મૅચમાં શ્રીલંકાની ૪૨ રનથી જીત થઈ હતી. ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં શ્રીલંકાએ ૧-૦થી લીડ મેળવી છે. અફઘાનિસ્તાન તરફથી નબી (૧૩૬) અને અઝમાતુલ્લા (૧૪૯)ની સદીઓ ટીમને જીતાડી ના શકી.
ADVERTISEMENT
નિસાન્કાએ ડબલ સેન્ચુરી ફટકારીને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેઇલ અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગનો રેકૉર્ડ તોડ્યો છે. નિસાન્કાએ ૧૩૬ બૉલમાં ડબલ સેન્ચુરી, ગેઇલે ૧૩૮ બૉલમાં, જ્યારે સેહવાગે ૧૪૦ બૉલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી.
જયસૂર્યાનો ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો
નિસાન્કાએ બેવડી સદી ફટકારીને સનથ જયસૂર્યાનો ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. નિસાંકા શ્રીલંકા માટે વન-ડેમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર બૅટ્સમૅન બન્યો છે. તેણે સનથ જયસૂર્યાનો ૧૮૯ રનનો રેકૉર્ડ તોડ્યો, જે વર્ષ ૨૦૦૦માં ભારત સામે આ ઇનિંગ રમ્યો હતો.
કિશને ફટકારી છે ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
નિસાન્કાએ ૧૩૯ બૉલમાં ૨૦ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી અણનમ ૨૧૦ રન બનાવ્યા હતા. ભારતીય ટીમના યુવા બૅટ્સમૅન ઈશાન કિશનના નામે વન-ડે ફૉર્મેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી પૂરી કરવાનો રેકૉર્ડ છે. ડાબા હાથના બૅટ્સમૅન ઈશાન કિશને ૨૦૨૨માં બંગલાદેશ સામે ૧૨૬ બૉલમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી.
કોણ-કોણે ફટકારી છે ડબલ સેન્ચુરી?
રોહિત શર્માએ ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી છે. સચિન તેન્ડુલકર, વીરેન્દર સેહવાગ, માર્ટિન ગપ્ટિલ, ફખર ઝમાન, ક્રિસ ગેઇલ, શુભમન ગિલ, ઈશાન કિશન અને ગ્લેન મૅક્સવેલ એવા અન્ય બૅટ્સમૅન છે જેમણે વન-ડે ક્રિકેટમાં ૨૦૦ રનના આંકડાને સ્પર્શ કર્યો છે. પથુમ નિસાન્કા વન-ડે ફૉર્મેટમાં બેવડી સદી ફટકારનાર ૧૦મો બૅટ્સમૅન બન્યો છે.