હૈદર અલીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યો
હૈદર અલી
પાકિસ્તાનના મિડલ ઑર્ડર બૅટર હૈદર અલી પર ગ્રેટર મૅન્ચેસ્ટર પોલીસ દ્વારા ગુનાહિત તપાસ શરૂ કરવામાં આવી છે. એના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તપાસના પરિણામ સુધી એને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે. ફોજદારી ગુનાની પ્રકૃતિ વિશે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી, પણ અહેવાલ અનુસાર તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. ૨૪ વર્ષનો હૈદર હાલમાં કસ્ટડીમાં નથી, પરતું પોલીસ દ્વારા સાવચેતી હેઠળ પૂછપરછ કરવામાં આવી હતી. હૈદર અલી પાકિસ્તાન સિનિયર મેન્સ ટીમ માટે વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ વચ્ચે બે વન-ડે અને ૩૫ T20 મૅચ રમ્યો છે. બાવીસ જુલાઈથી તે પાકિસ્તાન શાહીન ટીમ સાથે બ્રિટનની ૧૫ દિવસની ક્રિકેટ ટૂર ગયો હતો. પાકિસ્તાન બોર્ડ દ્વારા અલીને યોગ્ય કાનૂની સહાય પૂરી પાડવામાં આવી હતી. એક વાર કાનૂની કાર્યવાહી પૂર્ણ થઈ જાય પછી એના અસ્થાયી સસ્પેન્શન વિશે નિર્ણય લેવામાં આવશે.


